કેલિફોર્નિયાઃ ફેસબુક યુઝરના કમ્પ્યૂટરના કી-બોર્ડ અને માઉસની મૂવમેન્ટ ઉપર નજર રાખીને જાણે છે કે યુઝરની પસંદ-નાપસંદ અને અંગત રસ શું છે? તેનો અર્થ એ કે જો તમારા કમ્પ્યુટર પર ફેસબુક લોગઇન છે તો માઉસની દરેક ક્લિક અને કી-બોર્ડના ઉપયોગની માહિતી ફેસબુક સુધી પહોંચે છે. આ જાણકારીથી ફેસબુક એ જાણી લે છે કે યુઝર કયા પ્રકારના કન્ટેન્ટ પર કેટલીવાર સુધી રોકાય છે. આ હિસાબે તે એ યુઝરને જાહેરાત બતાવે છે. કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક બાદ ફેસબુકની પ્રાઈવસી પોલીસી અંગે સતત સવાલો થયા છે. યુએસ સેનેટમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને સવાલ-જવાબ પણ કરાયા હતા. કેટલાક સવાલો પર એ જ સમયે દલીલો થઈ હતી. બાકી સવાલોના જવાબ આપવા માટે ઝુકરબર્ગને સમય અપાયો હતો. આવા ૨ હજાર સવાલો હતા. ફેસબુકે બે હજાર સવાલોના જવાબ આપી દીધા.