નવી દિલ્હી ઃ ભારતના યુએન ખાતેના નાયબ કાયમી પ્રતિનિધિ કે. નાગરાજ નાયડુએ જનરલ એસેમ્બલીને સંબોધતા જણાવ્યું હતું કે ભારતે પોતાના નાગરિકોને વેક્સિનેટ કર્યા તેના કરતાં વિશ્વમાં મોટી સંખ્યામાં કોવિડ-૧૯ વેક્સિનનો પુરવઠો પૂરો પાડયો છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે વેક્સિન પુરવઠાની અસમાનતા વિશ્વપટલ પરથી કોરોનાને અંકુશમાં લેવાના વૈશ્વિક પ્રયાસને પ્રભાવિત કરશે, કેમ કે વેક્સિન સુધીની પહોંચની વિસંગતતા વિશ્વના ગરીબ દેશોને સૌથી વધુ પ્રભાવિત કરશે. નાયડુએ એમ પણ જણાવ્યું હતું કે મહામારીને નાથવા વિજ્ઞાનીઓના સમૂહોઓએ અનેક વેક્સિનની ભેટ આપી છે તે હકારાત્મક ઘટના છે. ભારત કોવિડ-૧૯ મોરચે અગ્રહરોળમાં લડાઈ લડી રહ્યું છે. ભારત એક તરફ પોતાના ૩૦ કરોડ કોરોના વોરિયર્સને વેક્સિન આપવા ઉપરાંત ૭૦ જેટલા દેશોને વેક્સિનનો આરંભિક પુરવઠો પણ પૂરો પાડી ચૂક્યું છે.