અમે શાંતિના ચાહકઃ ‘ક્વાડ’માં મોદી

Friday 27th September 2024 14:41 EDT
 
 

ડેલાવેર: ડેલાવેર ખાતે મળેલી ‘ક્વાડ’ શિખર પરિષદમાં ચાર સભ્ય દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં વડાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ શિખર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આ સંમેલન એવા સમયે મળી રહ્યું છે જ્યારે આખી દુનિયામાં તણાવ અને સંઘર્ષ ચાલી રહ્યો છે. સામૂહિક લોકશાહી મૂલ્યોને આધારે ‘ક્વાડ’ દેશો દ્વારા સાથે મળીને કામ કરવું તે સંપૂર્ણ માનવજાત માટે મહત્વનું છે. મોદીએ કહ્યું કે અમે કોઈની વિરુદ્ધ નથી. અમે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, તમામ દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરીએ છીએ તમામ મુદ્દાનાં શાંતિપૂર્ણ ઉકેલની તરફેણ કરીએ છીએ. સ્વતંત્ર, મુક્ત, સમાવેશી અને સમૃદ્ધ ઈન્ડો પેસિફિક એ અમારી સામૂહિક પ્રાથમિકતા અને પ્રતિબધ્ધતા છે. ‘ક્વાડ’ દેશોએ આરોગ્ય, સુરક્ષા, આધુનિક ટેકનોલોજી, ક્લાઈમેટ ચેન્જ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સકારાત્મક પહેલ કરી છે. 2025માં ‘ક્વાડ’ની યજમાની ભારત કરશે.
રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ‘ક્વાડ’ને સંબોધતા ઈન્ડો-પેસિફિકની સાથે દક્ષિણ પૂર્વ એશિયાનાં વિદ્યાર્થીઓને ‘કવાડ’માં સામેલ કરવાની તરફેણ કરી હતી. બાઈડેને કહ્યું કે પડકારો આવશે, દુનિયા બદલાઈ જશે પણ ‘ક્વાડ’ હંમેશા રહેશે. કેવી રીતે કામ કરવું તે અમે લોકશાહી દેશો જાણીએ છીએ. ઈન્ડો-પેસિફિકમાં સકારાત્મક પ્રભાવ માટે પ્રાદેશિક ભાગીદારોને નવી દરિયાઈ ટેકનોલોજી પ્રદાન કરવાનું છે.
‘ક્વાડ’ શિખર પરિષદની સમાંતરે વડાપ્રધાન મોદી અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં વડાઓને મળ્યા હતા અને દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક મુદ્દાઓની ચર્ચા કરી હતી. પ્રમુખ બાઈડેને તેમનાં હોમટાઉન વિલમિંગ્ટનમાં શિખર સમિટનું આયોજન કર્યું હતું. મોદીએ અમેરિકાની યજમાની માટે બાઈડેનનો આભાર માનવાની સાથે સાથે અમેરિકા-ભારત સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે બાઈડેનનાં પ્રયાસોને બિરદાવ્યા હતા. મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાએ લોકશાહી મૂલ્યોની જાળવણી સાથે સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવી છે.
પ્રમુખ બાઈડેને ડેલાવેરમાં આવેલા પોતાના નિવાસસ્થાને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું તે વેળા મોદીએ તેમને ખાસ ભેટ પણ આપી હતી. વડાપ્રધાને બાઈડેનને ચાંદીની હસ્તકળાથી બનાવેલી ટ્રેનનું મોડેલ ભેટમાં આપ્યું હતું. આ ટ્રેન મોડલ એક દુર્લભ નમૂનો છે, જેને મહારાષ્ટ્રના નિષ્ણાત કળાકારોએ તૈયાર કર્યો છે. ચાંદીની બનેલી આ ટ્રેનના મોડેલમાં ભારતીય કળા ઝળકે છે. મોદીએ આ પ્રસંગે જિલ બાઇડેનને મૂલ્યવાન શાલ ભેટ આપી હતી.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝ સાથે યોજાયેલી વડાપ્રધાન મોદીની મુલાકાતમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને દેશો રાજકીય અને વ્યુહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા સંમત થયા હતા. ખાસ કરીને કોમર્સ અને ઈન્વેસ્ટમેન્ટ, એજ્યુકેશન અને રિસર્ચ તેમજ ક્લાઈમેટ ચેન્જ, રિન્યુએબલ ઉર્જા તેમજ લોકો - લોકો વચ્ચે સહયોગ વધારવા ભાર મુકાયો હતો.

વડાપ્રધાન મોદી જાપાનનાં વડાપ્રધાન કિશિદાને મળ્યા હતા અને જાપાન તેમજ ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપારી સંબંધોને વધુ વેગ આપવાનું નક્કી કર્યું હતું. જાપાન સાથેનો સહયોગ ગાઢ બનાવવા બંને નેતાઓએ ભાર મૂક્યો હતો. ખાસ કરીને વ્યૂહાત્મક અને ગ્લોબલ ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા ચર્ચા કરી હતી.
મોદી પેલેસ્ટાઇન - નેપાળ - કતારના વડાને મળ્યા
વડાપ્રધાન મોદી યુએન મહાસભાના સત્ર વખતે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સહિત વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાંઓ પર ચર્ચા કરી હતી. સાથે સાથે જ પેલેસ્ટિનિયન લોકો પ્રત્યે ભારતના સમર્થનની પુષ્ટિ કરી હતી. કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ સબાહ સાથે પણ મુલાકાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter