વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી ધનિક અને અમેઝોનના સીઇઓ જેફ બેઝોસ (૫૫)એ પત્ની મેકેન્ઝી (૪૮)ને છૂટાછેડા આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. વોશિંગ્ટનના કાયદા મુજબ સંપત્તિની સરખી વહેંચણી થશે તો મેકેન્ઝી વિશ્વની સૌથી ધનવાન મહિલા બની જશે અને બેઝોસ સૌથી ધનિક નહીં રહે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી ધનિક જેફ બેઝોની નેટવર્થ રૂ. ૯.૫૯ લાખ કરોડ (૧૩,૭૦૦ કરોડ ડોલર) છે. આ હિસાબે મેકેન્ઝીને રૂ. ૪.૭૬ લાખ કરોડ (૬૮૫૦ કરોડ ડોલર) મળી શકે છે.
મેકેન્ઝીને આ રકમ મળશે તો તે વિશ્વની સૌથી ધનવાન મહિલા - ફ્રાન્સનાં ફ્રેકોઈસ બેર્ટ્ટેકોર્ટ મીયર્સને પાછળ છોડી દેશે. અગાઉ ૧૯૯૯માં મીડિયા કિંગ રુપર્ટ મર્ડોકે પત્ની એન્ના તોર્વને છૂટાછેડાના બદલામાં રૂ. ૮૬૭૦ કરોડ આપ્યા હતા. જોકે એ સ્પષ્ટ નથી કે બેઝોસ દંપતી વચ્ચે કોઈ કરાર થયો હતો કે નહીં?
અહેવાલ છે કે મેકેન્ઝી પતિની સંપત્તિમાંથી હિસ્સો ન પણ માગે કારણ કે બન્નેએ એવો નિર્ણય લીધો છે કે છૂટાછેડા પછી પણ તેઓ પરિવાર અને મિત્રની જેમ રહેશે. વર્ષ ૧૯૯૩માં જેફ અને મેકેન્ઝીએ લગ્ન કર્યાં હતાં. ત્યારે બન્ને હેજ ફન્ડ કંપની ડી ઇશોમાં કામ કરતાં હતાં. ૧૯૯૪માં જેફ બેઝોસે અમેઝોનની શરૂઆત કરી હતી. ગેરેજમાંથી શરૂ થયેલી અમેઝોન આજે વિશ્વની સૌથી મોટી કંપની છે. તેનું માર્કેટ કેપ રૂ. ૫૭ લાખ કરોડ છે. જેફની પાસે અમેઝોનના ૮ કરોડ શેર છે.
વિશ્વની ૩ ધનિક મહિલાઓને પિતા કે પતિની સંપત્તિ
બેઝોસની સંપત્તિની વહેંચણી કોર્ટમાં થશે કે પછી પરસ્પર સંમતિથી તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ વિશ્વની ત્રણ સૌથી ધનવાન મહિલાઓને ઉત્તરાધિકાર (પિતા કે છૂટાછેડા પછી પતિની)માં સંપત્તિ મળી છે. ફ્રાન્સની ફ્રેન્કોઇસ મીયર્સ હાલ સૌથી ધનિક મહિલા છે. લોરિયલ કંપનીની સંચાલિકા મીયર્સની નેટવર્થ રૂ. ૩.૨૭ લાખ કરોડ છે. બીજા નંબરે અમેરિકાની એલાઇસ વોલ્ટન છે. વોલમાર્ટની સંચાલિકા એલાઇસની નેટવર્થ રૂ. ૩.૨૨ લાખ કરોડ છે. જ્યારે ત્રીજા સ્થાને જર્મનીની બીએમડબ્લ્યુની સુઝેન ક્લેટનની નેટવર્થ રૂ. ૧.૭૫ લાખ કરોડ છે.