વોશિંગ્ટનઃ કોરોના વાઈરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. અમેરિકામાં આશરે ૩૬૮૯૭૦થી વધુ કેસ પોઝિટિવ છે અને મોતનો આંકડો ૧૦૯૬પથી વધુ નોંધાયો છે. ઈટાલીમાં ૧૩૨૫૦૦થી વધુ કેસ અને મૃતકાંક ૧૬૫૨૩, જર્મની ૧૦૩૭૦૦ અને મોતની સંખ્યા ૧૬૫૨૩, ફ્રાન્સમાં ૯૮૦૦૦ કેસ અને મૃતકાંક ૮૯૧૧ જેટલો નોંધાયો છે ત્યારે પેન્ટાગોને ૧ લાખ બોડી બેગનો ઓર્ડર નોંધાવતાં ભય ફેલાયો છે. ન્યૂ યોર્કમાં હોસ્પિટલની ક્ષમતા કરતાં ૩ ગણા લોકો ભરતી થતાં રહેતાં અંધાધૂંધી ફેલાઈ રહી છે. આ માહોલ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર અમેરિકામાંથી લોકડાઉન ઉઠાવી લેવાનો સંકેત આપતાં તાજેતરમાં જણાવ્યું હતું કે, દેશનો વિનાશ થવા દેવાય નહીં. આપણે આપણા કામ પર જવું જ પડશે. આપણે મહિનાઓ સુધી આ પ્રકારની સ્થિતિમાં રહી શકીએ નહીં. દેશમાંથી લોકડાઉન ઉઠાવી લેવાનો નિર્ણય બહુ મોટો હશે. ઇલાજ સમસ્યા કરતાં બદતર હોઇ શકે નહીં. ટ્રમ્પના આ નિવેદનના કારણે અમેરિકામાં બિઝનેસ અને અન્ય સેવાઓ ફરી શરૂ કરી દેવાય તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે.
• અમેરિકામાં કોરોના વાઇરસના પ્રસારને અટકાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ગંભીર ભૂલો કરી હોવાના આરોપ અંગે ડેમોક્રેટ સાંસદ ઇલ્હાન ઉમરે જણાવ્યું કે, ટ્રમ્પની ભૂલોના કારણે લાખો જિંદગીઓ તબાહ થઇ જશે. અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે. તેની પાસે દરેક પ્રકારની સુવિધા છે છતાં ટ્રમ્પના ગેરવહીવટને કારણે લાખો લોકોનાં મોત થશે.
• કોરોના વાઇરસની વેક્સિન બનાવવા માટે દુનિયાભરમાં મચેલી હોડ વચ્ચે હૈદરાબાદની કંપની ભારત બાયોટેકએ પણ વેક્સિન તૈયાર કર્યોનો દાવો કર્યો છે. અમેરિકામાં તેનું પ્રાણીઓ પર પરીક્ષણ શરૂ થઇ ચૂક્યૂં છે. પરીક્ષણ ૩થી ૬ મહિના સુધી ચાલશે.
• પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ૨,૮૦૦ને પાર થઈ છે. એકલા પંજાબ પ્રાંતમાં તેનો આંકડો ૧,૦૦૦ને પાર કરી ગયો છે. નેશનલ હેલ્થ સર્વિસિસના મતે કોરોનાથી ૪૦થી વધુનાં મોત પાકિસ્તાનમાં થયાં છે ત્યારે પાકિસ્તાનના મિત્ર ચીને જ તેને છેતર્યાંના અહેવાલ છે. ચીને પાક.ને મેડિકલ સપ્લાય મોકલવાનું વચન આપ્યું હતું અને ચીનથી આવેલો સામાન પાકિસ્તાને તપાસ્યો તો તેને જણાયું કે એન-૯૫ માસ્કને બદલે અંડરવેરમાંથી બનેલા માસ્ક ચીને પાકિસ્તાનને મોકલી આપ્યા છે. બીજી તરફ અમેરિકાએ ચીનથી ફ્રાન્સ અને જર્મની માટે મોકલાયેલા કરોડો માસ્કનો જથ્થો જપ્ત કરતાં ફ્રાન્સ અને જર્મની રોષે ભરાયાં છે.
• કોરોના વાઈરસ જ્યાંથી ફેલાયો એ ચીન આ વૈશ્વિક સંકટના સમયમાં પણ ચાલબાજી રમતો હોવાનું સામે આવ્યું છે. બ્રિટનની મેગેઝિન ‘ધ સ્પેક્ટેટર’ના રિપોર્ટ અનુસાર, ચીનમાં જ્યારે કોરોનાનો કેસ ગંભીર હદે ફેલાયેલો હતો. ત્યારે ઇટાલી મદદ માટે આગળ આવ્યું હતું. ઇટાલીએ ચીનને પીપીઇ કિટ દાનમાં આપી હતી જ્યારે ઇટાલીને જ પીપીઇ કિટની ઘણી જરૂર છે ત્યારે ચીન દાનમાં મળેલી મેડિકલ સામગ્રી ઇટાલીને વેચી રહ્યું છે.
• ચીને કોરોના વાઇરસ અંગેની અનેક જાણકારી સમગ્ર વિશ્વથી છુપાવી છે જેને પગલે હવે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએ ચીન પર વોચ રાખી રહી છે. આ ઉપરાંત ચીનમાં જીવતા પશુ, જીવજંતુ ખવાય છે ત્યાંથી કોરોનાનો રોગચાળો ફેલાયો એ માર્કેટ ફરી ખૂલતાં ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના દેશોએ સંયુક્ત રાષ્ટ્રને ચીન વિરુદ્ધ ફરિયાદ કરીને આ માર્કેટ બંધ કરાવવા વિનંતી કરી છે.
• ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરતો એક ચીની વિદ્યાર્થી જામ ઝોઉ દ્વારા ચીનના વુહાનમાં ફરી કોરોના વાઈરસ ફેલાયાના અહેવાલ છે. ટેસ્ટમાં જાણવા મળ્યું કે તે કોરોના પોઝિટિવ ન હતો. જેથી તેને ચીન જવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ તે વુહાન પહોંચ્યો ત્યાં સુધીમાં તેને ચેપ લાગી જતાં તે પોઝિટિવ થઈ ગયો હતો.
• ન્યૂ યોર્કના પ્રખ્યાત બ્રોંક્સ ઝૂની વાઘણને કોરોના વાઈરસ, બિનપાલતુ પ્રાણીમાં માણસ દ્વારા કોરોના સંક્રમણનો વિશ્વમાં આ પહેલો કેસ ગણાવાયો છે.