ન્યૂ યોર્કઃ અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા ટ્રેડવોર માટે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાએ કહ્યું હતું કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર ભારત માટે એક અવસર સમાન છે. આવી પરિસ્થિતિમાં ભારતે એ મલ્ટીનેશનલ કંપનીઓને દેશમાં રોકાણ માટે આકર્ષિત કરવી જોઈએ જે ચીનની બહાર વૈકલ્પિક સ્થળ શોધી રહી છે. તેમણે ભારતને આયાતિત બાઇકો અને વાહનો પર ડ્યૂટીમાં કાપ મૂકવા આહવાન કર્યું હતું. પનગઢિયાએ કહ્યું કે મોટી મલ્ટીનેશનલ કંપનીઓ ચીનથી બહાર નીકળી રહી છે. એવામાં આ ભારત માટે તક છે કે તે આ કંપનીઓને ભારત લાવવા માટે જે કંઈ કરી શકે તે કરે. અમેરિકી સરકારે ગત વર્ષે માર્ચમાં ચીનથી આયાત કરેલા સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ભારે ડ્યુટી લગાવવાની જાહેરાત કરી હતી. તેના પછી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ ગયું હતું.