નવી દિલ્હીઃ અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપી હોવાનો ખુલાસો થતાં ભારત અને કેનેડા વચ્ચેની કૂટનીતિક લડાઈમાં હવે અમેરિકાના ફસાવાનું જોખમ છે. અમેરિકા ભારતને તેનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવવા મથી રહ્યું છે તેવા સમયે આ ઘટસ્ફોટથી તેની મુશ્કેલીઓ વધી શકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે આ ઘટના સાથે સંકળાયેલા અધિકારીએ કહ્યું કે, નિજ્જરની હત્યા થઈ ત્યાં સુધી અમેરિકા આ કાવતરાં સંબંધિત પુરાવા અંગે અજાણ હતું. જોકે, નિજ્જરની હત્યા પછી અમેરિકન અધિકારીઓએ કેનેડિયન એજન્સીને કહ્યું હતું કે, તેમને આ અંગે અગાઉથી કોઈ માહિતી નહોતી. જો માહિતી હોત તો કેનેડાને તુરંત જાણ કરાઈ હોત. અમેરિકા ફાઈવ આઈઝ સંગઠનના દેશોને નિયમિત અને ઓટોમેટિક રીતે ગુપ્ત માહિતી આપતું હોય છે, પરંતુ હત્યા સંબંધિત માહિતી અલગથી ઈરાદાપૂર્વક આપવામાં આવી હતી.
દરમિયાન અન્ય એક ચોંકાવનારા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા પછી અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈના એજન્ટો અમેરિકામાં ખાલિસ્તાની તત્વોને મળ્યા હતા અને તેમને ભારત તરફથી જીવનું જોખમ હોવાની ચેતવણી આપી હતી. આ વાતો ઈન્ટરસેપ્ટના એક રિપોર્ટને ટાંકીને અમેરિકન મીડિયામાં ચાલી રહી છે.
અમેરિકન શીખ કોકસ કમિટિના કો- ઓર્ડિનેટર પ્રીતપાલ સિંહે ધ ઈન્ટરસેપ્ટને જણાવ્યું કે નિજ્જરની હત્યા પછી તેમને અને કેલિફોર્નિયામાં બે અન્ય શીખ અમેરિકનોને એફબીઆઈ તરફથી કોલ આવ્યો હતો અને તેમના જીવને જોખમ હોવાનું જણાવાયું હતું. જોકે, તેમણે એ જણાવ્યું નહોતું કે આ જોખમ કોના તરફથી છે.
અન્ય બે શીખોએ પણ કહ્યું હતું કે તેમને એફબીઆઈ એજન્ટોએ ચેતવણી આપી હતી. કેનેડામાં બ્રિટિશ કોલંબિયા ગુરુદ્વારા કાઉન્સિલના પ્રવક્તા મોનિંદર સિંહને પણ એજન્ટોએ ચેતવણી આપી હતી. મોનિન્દર સિંહે કહ્યું હતું કે તેમને કોના તરફથી જોખમ્ છે તે કહેવાયું નહોતું.