વોશિંગ્ટન: આતંકી જૂથો વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવાના કારણે અમેરિકાએ પાકિસ્તાનની અંદાજે રૂ. ૨,૧૩૦ કરોડની સૈન્ય મદદ અટકાવી દીધી છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન મુજબ પાકિસ્તાન ટ્રમ્પ તંત્રની નવી દક્ષિણ એશિયા નીતિ અને હક્કાની નેટવર્ક તથા લશ્કર-એ-તોયબા જેવા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. અમેરિકાએ અગાઉ આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનને રૂ. ૩,૫૧૩ કરોડની મદદ રદ કરી દીધી હતી. પેન્ટાગોને અમેરિકન સંસદને વિનંતી કરી છે કે તે કોલિશન સપોર્ટ ફંડ હેઠળ પાકિસ્તાનને અપાતી રકમ પર પુનઃ વિચાર કરે, કારણ કે પાકિસ્તાન દ. એશિયા રણનીતિ હેઠળ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે.