વોશિંગ્ટનઃ ભારતની આંતરિક બાબતમાં એક યા બીજા સમયે હસ્તક્ષેપ કરતા રહેતા અમેરિકાને ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે જવાબ આપ્યો છે. તેમણે અમેરિકાવાસીઓને કહ્યું કે ભારત જ્યારે પોતાની આંતરિક બાબતો પર થયેલી ટિપ્પણી સંદર્ભે જવાબ આપે તો તેમને માઠું ના લાગવું જોઈએ. અમેરિકી થિંક ટેન્ક કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે બે દેશો અને બે સરકારોના સ્તરે વિચારીએ તો બંને લોકતંત્ર પરસ્પર એકબીજાનું સન્માન કરે તે જરૂરી છે. જયશંકરે કહ્યું કે એવું ના હોઈ શકે કે એક દેશને બીજી લોકશાહી પર ટિપ્પણી કરવાનો અધિકાર હોય, પરંતુ જો બીજો દેશ એવું કરે તો વિદેશી હસ્તક્ષેપ બની જાય. એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે, ‘વિદેશી હસ્તક્ષેપને વિદેશી હસ્તક્ષેપ જ કહી શકાય, પછી ભલે તે કોઈપણ કરે અને ગમે ત્યાં કરે. તેની વ્યાખ્યા ખૂબ મુશ્કેલ છે. પરંતુ તે વિશેના મારા વ્યક્તિગત વિચારો અનેકવાર શેર કરી ચૂક્યો છું. તમને કોમેન્ટ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ તમારી કોમેન્ટ પર કોમેન્ટ કરવાનો મને પણ અધિકાર છે.’