વોશિંગ્ટન: વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ ૨૩૯૧૬૬૦૪થી વધુ કેસ ૨૫મી ઓગસ્ટે સામે આવી ચૂક્યા છે. તે પૈકી ૧૬૪૪૨૨૮૬ દર્દી સાજાં થયાં છે અને કોરોનાથી વૈશ્વિક મૃતકાંક ૮૧૯૪૦૮ નોંધાયો છે. અમેરિકામાં કેસની સંખ્યા કુલ ૫૯૨૪૭૪૧ મૃતકાંક ૧૮૧૪૮૫ અને સાજા થયેલા લોકોની સંખ્યા ૩૨૨૦૧૬૮ થયાં છે. બ્રાઝિલમાં ૩૬૩૬૧૬૭ કેસ અને મૃતકાંક ૧૧૫૬૪૬ નોંધાયો છે. મેક્સિકોમાં મૃતકાંક ૬૦૮૦૦ નોંધાયા છે અને મૃતકાંક મામલે મેક્સિકો ત્રીજા સ્થાને છે.
આ સ્થિતિમાં અમેરિકાએ જણાવ્યું છે કે, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા કોરોના દર્દીઓને તાકીદના સંજોગોમાં પ્લાઝમા થેરપી સારવાર આપવાની મંજૂરી અપાઈ છે. આ સારવાર પદ્ધતિમાં જે કોરોના દર્દી સારવારને અંતે સાજા થઇ ચૂક્યા હોય તેમના એન્ટિબોડીઝ ધરાવતા બ્લડ પ્લાઝમાની મદદથી કોવિડ દર્દીને સારવાર આપવામાં આવે છે. ખૂબ જ ગંભીર રીતે સંક્રમિત થયેલા ૭૦,૦૦૦ લોકો પર અમેરિકામાં આ થેરપીનો ઉપયોગ થઇ ચૂક્યો છે. ચીનમાં સતત આઠમા દિવસે ૨૪મીએ ઘરેલુ સ્થાનિક સંક્રમણનો કેસ નોંધાયો નહોતો. ૨૪ કલાકમાં દેશમાં ૧૬ સંક્રમિત તો મળ્યા હતા, પરંતુ તેઓ અન્ય દેશમાંથી પાછા ફરેલા લોકો હતા. સરકારે બેઇજિંગ સહિતના અનેક સ્થાને પ્રતિબંધોમાં છૂટછાટ આપી છે. બેઇજિંગમાં હવે લોકો માટે માસ્ક ફરજિયાત નથી.
ફ્રાન્સમાં ૨૪ કલાકમાં સંક્રમણના ૪૯૦૦ કેસ
ફ્રાન્સમાં ૨૪મીએ સંક્રમણના ૪૯૦૦ કેસ સામે આવ્યા હતા. મે મહિના પછી પહેલી જ વાર આટલા કેસ નોંધાયા હતા. ૨૫મીએ ફ્રાન્સમાં ૨૪૪૮૫૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા.
આરોગ્ય પ્રધાન ઓલિવર વેરને જણાવ્યું હતું કે દેશ એવી સ્થિતિમાં છે કે જ્યારે સંક્રમણનો ખતરો ફરી વધી શકે છે. ૪૦થી ૬૦ વર્ષની વય ધરાવતા લોકોમાં સંક્રમણ ચાર ગણી રીતે ફેલાઇ રહ્યું છે.