ન્યૂ યોર્કઃ રશિયા-યુક્રેન ભીષણ જંગને બે વર્ષ થયા છે પણ યુદ્ધ અટકવાના કોઇ અણસાર નથી. આ માહોલ વચ્ચે અમેરિકાએ યુક્રેન પર સતત હુમલા કરી રહેલા રશિયાને ભીંસમાં લેવા માટે તેની મુખ્ય તેલ શિપિંગ કંપની પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અમેરિકી વહીવટી તંત્રે બ્રિટન અને અન્ય સહયોગી દેશો સાથે મળીને રશિયન ઓઇલ-શિપિંગ દિગ્ગજ સોવકોમ્ફફ્લોટ પીજેએસસી પર પાબંદી લગાવી દીધી છે.
અમેરિકી ટ્રેઝરી વિભાગે એક નિવેદનમાં કહ્યું કે ટ્રેઝરી વિભાગે કંપની સાથે જોડાયેલાં 14 કાચા તેલનાં ટેન્કરો પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કંપનીની વ્યાવસાયિક કામગીરી પર ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝિલેન્ડ અને બ્રિટન દ્વારા પહેલાં જ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. યુરોપિયન યુનિયને પણ કંપનીની કામગીરી સામે પાબંદી ફરમાવી છે.