અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયા સુધી દિવાળીની શાનદાર - દમદાર ઉજવણી

Wednesday 02nd November 2022 08:42 EDT
 
 

નવી દિલ્હી: એક સમયે માત્ર ભારત સુધી મર્યાદિત દિવાળીની ઊજવણી હવે વૈશ્વિક બની છે. વૈશ્વિક સ્તરે ભારતીયોનો દબદબો વધવાની સાથે હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઊજવણી પણ ભવ્ય બની છે. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધીના દેશોમાં હિન્દુઓ સહિત લોકોએ ધામધૂમથી દિવાળી ઊજવી હતી.
અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઊજવણી કરી હતી. અમેરિકામાં આગામી વર્ષથી દિવાળીના દિવસનો જાહેર રજામાં સમાવેશ કરાયો છે. આ વૈશ્વિક સ્તરે ભારતીયોનો વધતો પ્રભાવ દર્શાવે છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોએ દિવાળીની ઊજવણી કરી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં દિવાળી ઊજવી હતી. આ સમયે ફર્સ્ટ લેડી જિલ બાઈડેન, નાયબ પ્રમુખ કમલા હેરિસ સહિત ભારતીય મૂળના 200થી વધુ લોકો હાજર રહ્યા હતા. તેઓ પરંપરાગત ભારતીય પહેરવેશ શેરવાની, સાડીમાં પહોંચ્યા હતા અને આ રંગારંગ કાર્યક્રમમાં સિતારવાદક ઋષભ વર્માએ પરફોર્મ કર્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોએ ભારતીય મીઠાઈઓનો સ્વાદ માણ્યો હતો.
જ્યોર્જ બુશે શરૂ કરી ઉજવણીની પરંપરા
અમેરિકામાં જ્યોર્જ બુશ તંત્ર દ્વારા વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઊજવણી શરૂ કરાઈ હતી. ત્યાર પછી નવેમ્બર 2008માં તત્કાલિન અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરતાં ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. આજે બંને દેશના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.
બાળકોને ગણાવ્યા ‘પ્રકાશપુંજ’
વ્હાઈટ હાઉસમાં આ વર્ષના દિવાળી સમારંભમાં પ્રમુખ જો બાઈડેને મંચ પર બે બાળકોને બોલાવ્યા હતા અને તેમને પ્રકાશપુંજ તરીકે ઓળખાવ્યા હતા. પાછળથી વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, આ બંને બાળકો સાંસદ રો ખન્નાના સંતાનો સોરેન અને ઝારા છે. જો બાઈડેને ભારતીય મૂળના લોકોને સંબોધન કરતી વખતે સાંસદ રો ખન્નાના સંતાનોને મંચ પર બોલાવ્યા હતા અને સવાલ કર્યો હતો કે, તમે મંચ પર આવી શકો? તેમણે એક સાથીને બાળકોને મંચ પર લાવવા કહ્યું. આ સાથે બાઈડેને કહ્યું કે, આ બાળકો પ્રકાશપુંજ સમાન છે.
પ્રમુખ બાઇડેનની દિવાળી શુભેચ્છા
બાઈડેને કહ્યું કે, દિવાળીના પ્રસંગે વ્હાઈટ હાઉસમાં પહેલી વખત આટલા મોટા પાયે રિસેપ્શન થયું છે. અમારી સરકારમાં અગાઉની સરકારોની સરખામણીમાં વધુ એશિયન-અમેરિકનોનો સમાવેશ છે. દિવાળીના શાનદાર આયોજનને અમેરિકન સંસ્કૃતિનો ભાગ બનાવવા માટે બધાનો આભાર. બાઈડેને વધુમાં કહ્યું, દિવાળીના પ્રસંગે હું દુનિયાના 100 કરોડથી વધુ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને શુભેચ્છા પાઠવું છું. અત્યારે અમેરિકન સરકારમાં અલગ અલગ સંસ્કૃતિઓ સમાવિષ્ટ છે. ઉપપ્રમુખ કમલા હેરિસ આ પદે પહોંચનારાં પહેલાં અશ્વેત મહિલા છે. જિલ બાઈડને પણ એશિયન અમેરિકન સમાજના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, આ સમુદાયના લોકોએ અમેરિકાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું કે, વ્હાઈટ હાઉસ સામાન્ય લોકોનું ઘર છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડેને આ ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાનો કોઈપણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવારોની અહીં ઊજવણી કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાથી માંડી પાકિસ્તાને પાઠવી શુભકામના
હિન્દુઓને દિવાળીની ઊજવણીની શુભેચ્છા પાઠવવામાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના કોઈ દેશ પાછળ નથી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ સહિત વિશ્વના અનેક નેતાઓએ દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ઊજવનારા બધા જ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થનિ અલ્બનીસે કહ્યું હતું કે, આ દિવાળી તમારા અને તમારા પ્રિયજનો માટે દરેક ખુશીઓ અને શાંતિ લઈ આવે. સાથે જ ઓસ્ટ્રેલિયામાં સિડની ઓપેરા હાઉસ પણ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના વિજય પછી દિવાળી પ્રસંગે ઝગમગી ઊઠયું હતું. આ સિવાય પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાકિસ્તાન અને દુનિયાભરના હિન્દુ સમુદાયને દિવાળી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી, દિવાળી, પ્રકાશના તહેવાર પર પાકિસ્તાન અને દુનિયાના હિન્દુ સમુદાયને શુભેચ્છાઓ. આ દિવસ આપણી દુનિયામાં શાંતિ, ખુશી અને સદ્ભાવ લાવે. વિશ્વના અનેક નેતાઓએ દિવાળી પર શુભેચ્છાઓ પાઠવી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter