પ્રિય વાચકમિત્રો,
આજની પળે વૈશ્વિક તણાવો ધ્યાન ખેંચનારી બાબત છે. અમેરિકાના એક અવિચારી પગલાંએ પ્રત્યાઘાતોની હારમાળા રચી દીધી અને ૧૭૬ નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવ્યા છે, સંખ્યા કદાચ વધુ પણ હોઈ શકે છે. ઈરાની જનરલ કાસિમ સુલેમાની પર હુમલા અને હત્યાને સમગ્ર વિશ્વે વખોડી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે તો અમેરિકા માટે જનરલ તત્કાળ જોખમરુપ હોવાનું કહી પોતાના પગલાંનો બતાવ કર્યો છે પરંતુ, મારાં અંગત મતાનુસાર આ નર્યો બકવાસ જ છે. ટ્રમ્પ જુઠાણાં માટે જાણીતા છે અને યુએસની સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ પર તેની કોઈ અસર જણાતી નથી. હું કદાચ ખોટી હોઈ શકું છું. આખરે વ્હાઈટ હાઉસના બંધ બારણાં પાછળ શું રમતો રમાય છે તે કોઈ જાણતું નથી. આપણે બધા એક બાબતે સંમત થઈ શકીએ કે ડ્રોન હુમલો આવશ્યક ન હતો અને ક્રુરતાપૂર્ણ સાબિત થયો છે.
ટ્રમ્પના જુગાર અને ઈરાનના વળતા પ્રહારમાં માત્ર કેનેડા જ આખરી પરાજિત તરીકે ઉપસ્યું છે. તેણે ૫૭ નાગરિકો ગુમાવ્યા છે અને કયા કારણે? ઈમ્પીચમેન્ટથી લોકોનું ધ્યાન હટાવવા? જનરલ સુલેમાની પરના હુમલાથી લાગ્યું કે તેનાથી મધ્ય પૂર્વમાં યુદ્ધ છેડાઈ જશે. જોકે, ઈરાને જાનહાનિ ન થાય તેમ શ્રેણીબદ્ધ બેલેસ્ટિક મિસાઈલ હુમલાને પસંદગી આપી હોવાનું જણાય છે. સામા પગલે ટ્રમ્પે પણ પ્રત્યાઘાત નહિ આપવા સાથે વિશ્વે રાહતનો શ્વાસ લીધો છે.
બંને દેશોએ યુદ્ધોન્માદની સ્થિતિમાં ટુંકો વિરામ લીધો ત્યારે ૧૭૬ પ્રવાસી સાથે યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ ૭૫૨ આમનેસામને પ્રહારનો ભોગ બની ગઈ, જેમાં ૫૭ નાગરિક કેનેડાના હતા. આ પછી તો કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ફોરેન મિનિસ્ટર ફ્રા્ન્કોઈસ-ફિલિપ શેમ્પેન, ડિફેન્સ મિનિસ્ટર હરજિત સજ્જન અને લશ્કરી વડા જનરલ જોનાથન વાન્સની નિદ્રા વેરણ બની ગઈ. ઉચ્ચસ્તરે બેઠકો અને પ્રેસને સંબોધનોનો દોર ચાલ્યો. સજ્જને તો રવિવારે વાનકુવર આર્ટ ગેલેરી ખાતે આયોજિત પ્રાર્થનાસભામાં હાજરી આપી અને મૃતકોના પરિવારો માટે યોગ્ય ઉત્તર મેળવવા અને તેમને યોગ્ય સપોર્ટ મળે તે માટે સરકાર અથાક પ્રયાસો કરશે તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી.
ક્રિસમસ રજાઓ પરથી પાછા આવેલા ટ્રુડો માટે નવા વર્ષનો આરંભ મુશ્કેલ રહ્યો. તેઓ થાકેલા જણાયા હતા. શું તેઓ ટ્રમ્પ અને તેમના અવિચારી સાહસોથી થાક્યા છે? કદાચ હોઈ શકે.
દિવસોની અટકળો પછી જાણ થઈ કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે અકસ્માતે જ યુક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું. ઈરાનના જનરલ અમીર અલી હાજીજાદેહે ટેલિવિઝન પર જણાવ્યું કે ઓફિસરે વિમાનને ભૂલથી દુશ્મનનું મિસાઈલ જાણી તેના પર ફાયરિંગનો નિર્ણય લીધો હતો. પ્રવાસી વિમાન હોવાની જાણકારી મળતા તે ઓફિસરે પોતે મરી ગયો હોત તો સારું તેમ કહી પસ્તાવો કર્યો હોવાનું પણ જનરલે કહ્યું હતું.
વિશ્વની નજર હવે યુએસ પરથી ખસી ઈરાન તરફ ગઈ હતી. કેનેડા પણ તેમાં હતું. ટ્રુડોએ ભારે રોષ વ્યક્ત કર્યો અને ઈરાનની કબૂલાતને મહત્ત્વપૂર્ણ ગણાવી છે. હવે તેમનો સૂર બદલાઈ ગયો છે. ગત મુદતમાં ઢીલા ગણાયેલા ટ્રુડો મક્કમ દેખાય છે. જોકે, તેઓ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ આગ ઓકશે તેમ માનશો નિરાશ જ થવાશે. ટ્રુડોએ સંપૂર્ણ તપાસના આદેશો આપી દીધા છે પરંતુ, ઈરાન વિરુદ્ધ કેનેડાના પ્રતિબંધો અને વિમાન દુર્ઘટના વિશે ત્રણ દિવસ મૌન જાળવવા બદલ પ્રતિક્રિયા વિશેના પ્રશ્નો ટાળી દીધા છે.
કેનેડા હવે ઈરાકમાં પોતાનું વલણ સ્પષ્ટ કરે તે આવશ્યક છે. ઈરાકમાં નાટોના નોન-કોમ્બેટ મિશનની નેતાગીરી કેનેડા હસ્તક છે અને ૧૦૦થી વધુ કેનેડિયન દળો તેમના ઈરાકી સમકક્ષોને તાલીમ આપી રહ્યા છે. ટ્રુડો કેવી રીતે આગળ વધશે તેની અસર વૈશ્વિક બાબતોમાં તેમના મોભા પર થશે એટલું જ નહિ, ઘરઆંગણે તેમના વિશે લોકોના ખ્યાલમાં પણ બદલાવ આવશે.