અમદાવાદ: સ્વામીનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિરમાં ૨૦ એકર સરોવરમાં આવેલા આયર્લેન્ડ (દ્વીપ)માં બાર જ્યોતિર્લિંગ ભગવાનની સ્થાપના કરાશે. તેમાં પ્રથમ પાટોત્સવ પ્રસંગે સોમનાથ મહાદેવ, રામેશ્વર, કાશી વિશ્વનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, ત્રંબકેશ્વર મહાદેવ, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર, અમરનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પધરાવવામાં આવશે. ઇતિહાસમાં પહેલીવાર બાર જ્યોતિર્લિંગની સ્થાપના અમેરિકામાં થશે. આ અંગે ગુરુકુળ મંદિરના સાધુ કનુ ભગતના જણાવ્યા આનુસાર, ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુથી સવાનાહ સનાતન મંદિરમાં ભગવાન સ્વામીનાારાયણ, બાજુમાં લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, અંબાજીમા, ઉમૈયાજીમા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ સહિત ૧૮ પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. આ સાથે જ પરિસરમાં આવેલ ૨૦ એકરના સરોવરના દ્વીપમાં બાર જ્યોતિર્લિંગની વૈદિક મંત્રોચાર દ્વારા સ્થાપના કરાશે.
એક શિવલિંગ રૂ. ૨ લાખના ખર્ચે તૈયાર
આ બારેય જયોતિર્લિંગના પ્રત્યેક શિવલિંગને તૈયાર કરવામા આશરે રૂ. ૨ લાખ જેટલો ખર્ચ થયો છે. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના માર્ગદર્શનમાં બારેય શિવલિંગ જયપુરમાં તૈયાર કરાયાં છે. સ્વામીનારાયણ સનાતન મંદિર સવાનાહમાં વીસ એકરમાં પાણીના વિશાળ સરોવરમાં તમામ શિવલિંગની સ્થાપના કરાશે. આ દરેક શિવલિંગની ઊંચાઈ ૪ ફૂટ છે. તેમજ દરેક શિવલિંગને બનાવવામાં ૪ મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.