નવી દિલ્હી: આખું વિશ્વ ભલે અમેરિકાને મહાસત્તા ગણતું હોય પણ સંપત્તિની બાબતમાં અમેરિકાને પછાડીને ચીન દુનિયાનો સૌથી વધુ અમીર દેશ બન્યો છે. વિશ્વના દેશોની આવકજાવક પર નજર રાખતી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની મેકેન્ઝીની રિસર્ચ બ્રાન્ચે જણાવ્યા મુજબ છેલ્લા ૨૦ વર્ષમાં વિશ્વની સંપત્તિમાં ૩ ગણો વધારો થયો છે ચીનની સંપત્તિ ૩૩ ટકા વધીને ૧૬ ગણી વધવા પામી છે. વિશ્વની ૬૦ ટકા સંપત્તિ ફક્ત ૧૦ દેશોનાં હાથમાં હતી. નાણાકીય સંપત્તિ જવાબદારીઓ સામે સરભર કરવામાં આવતી હોવાથી તેની ગણતરી આમાં કરાઈ નહતી.
અમેરિકાની મિલકતમાં બે ગણો વધારો
અમેરિકાની મિલકતમાં ૨૦ વર્ષમાં બે ગણો વધારો થયો હતો. ૨૦૨૦માં તેની સંપત્તિ ૯૦ ટ્રિલિયન ડોલર થઈ હતી. પ્રોપર્ટીના ભાવમાં ઝડપથી વધારો થયો ન હતો આને કારણે ચીનના મુકાબલે તેની સંપત્તિમાં ધીમો વધારો થયો હતો. અમેરિકાએ તેનું પહેલું સ્થાન ગુમાવ્યું હતું.
સંપત્તિ મુઠ્ઠીભર લોકોના હાથમાં
ચીન અને અમેરિકામાં સંપત્તિનો મોટો હિસ્સો ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં જ હતો. બંને દેશોમાં મોટાભાગની મિલ્કત ૧૦ ટકા અમીરોના કબજામાં હતી. બંને દેશોમાં ધનિકોની સંખ્યામાં ઝડપી વધારો થયો હતો. આથી અમીર અને ગરીબો વચ્ચેનું અંતર વધ્યું હતું. વિશ્વની કુલ સંપત્તિનો ૬૮ ટકા હિસ્સો રિઅલ એસ્ટેટમાં હતો જ્યારે બાકીનો હિસ્સો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી અને ઉપકરણોનાં રૂપમાં હતો.
ભારતની સરખામણીએ ચીન...
ક્રેડિસ સૂઈસના વેલ્થ રિપોર્ટ મુજબ ઓક્ટોબર ૨૦૧૯માં ભારતની નેટવર્થ ૧૨.૬ ટ્રિલિયન ડોલર હતી જ્યારે ચીનની સંપત્તિ ૧૨૦ ટ્રિલિયન ડોલર હતી. આમ ચીન ભારત કરતા ૮ ગણી વધુ સંપત્તિ ધરાવતું હતું.