કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે. આ ઇતિહાસની સૌથી ભીષણ આગ ગણાવાઈ રહી છે. આ દાવાનળમાંથી ૧૧મી નવેમ્બરે ૧૪ મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક ૨૪ને પાર કરી ગયો છે. આગના કારણે આજુબાજુના લોકો પોતાના બાળકો અને ઘરવખરી સાથે ભાગવા માટે મજબૂર બન્યા છે. નજીકનું એક સમગ્ર શહેર ખાલી થઇ ગયું છે. અગનઝાળમાં આવી જવાથી આ વિસ્તારના હજારો ઘરો ખાલી થઇ ગયાં છે. સાન ફ્રાન્સિસ્કોથી આશરે ૨૯૦ કિલોમીટર દૂર આશરે ૨૭,૦૦૦ની વસતી ધરાવતા શહેર પેરાડાઇઝના દરેક વ્યક્તિને ઘરની બહાર નીકળવાનો આદેશ અપાયો છે. આગની લપેટમાં અનેક ઘરો આવી જતાં વિસ્ફોટો થવા લાગ્યા છે.
દેશની ફાયર ફાઇટિંગ એજન્સીનું કહેવું છે કે આગને કારણે ઉત્તરી કેલિફોર્નિયામાં ૮૦થી ૯૦ ટકા મકાનને ભારે નુકસાન થયું છે. કેલિફોર્નિયાના કાર્યકારી ગવર્નર ગેવિન ન્યૂસમે ઉત્તર કેલિફોર્નિયામાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. તીવ્ર પવનને કારણે આગની વિકરાળતા વધી રહી છે અને તેનાથી વેંચુરા કાઉંટીમાં આશરે ૧૫,૦૦૦ એકર વિસ્તારમાં લાગેલા ઝાડ-ઝાંખરા પણ બળી ગયા છે. હેલિકોપ્ટર અને ફાયર ફાઇટરો આગ ઓલવવામાં ગોઠવી દેવાયા છે.