વોશિંગ્ટનઃ અમેરિકામાં ઘર વિહોણા બાળકો અને યુવતીઓની જરૂરિયાત પૂરી કરવા ક્ષેત્રે કામ કરનારા ભારતીય-ગુજરાતી હરિશ કોટેચાને પ્રતિષ્ઠિત સેન્ડ્રા નીસે લાઈફ ટાઈમ એચિવેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. નવમી ઓક્ટોબરે નેશનલ ઓસોસિએશન ફોર ધ એજ્યુકેશન ઓફ હોમલેસ ચિલ્ડ્રન એન્ડ યુથ દ્વારા આયોજિત સંસ્થાના ૩૨માં વાર્ષિક સમારંભમાં હિન્દુ ચેરિટીઝ ફોર અમેરિકાના સ્થાપક કોટેચાને આ એવોર્ડ અપાયો હતો.
બાળકોની સુરક્ષા અને ઘર વિહોણા યુવાનોને સહાય કરી જિંદગીનો સાચો રાહ દેખાડનાર માર્ગદર્શકને સેન્ડ્રા નીસે એવોર્ડ એવા લોકો માટે અપાય છે. સંસ્થા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું કે, એકલ ચળવળથી અન્યોને પણ પ્રેરણા મળે અને ચાર શહેરોમાં તેનું પુનરાવર્તન થાય તેવા આશયથી એવોર્ડ અપાય છે. હરિશ કોટેચાને અપાયેલા પત્રમાં સંસ્થાના પ્રમુખ જીમીયુ ઈવાન્સે લખ્યું હતું કે, ઘરવિહોણા બાળકો અને યુવાનોની જરૂરિયાત પૂરી કરવાના ક્ષેત્રે સેવા આપવા બદલ તેમજ સફળતા મેળવવા બદલ તમને આ એવોર્ડ એનાયત કરતાં અમે ગર્વ અને આનંદ અનુભવીએ છીએ. કોટેચાએ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ એવોર્ડ હિન્દુ ચેરિટીઝ ફોર અમેરિકાની સેવાનું સન્માન છે તેમજ તેના સ્વયંસેવકો, દાતાઓ, પ્રાયોજકો અને શુભેચ્છકોનું ગૌરવ અને સન્માન છે.