વોશિંગ્ટન: અમેરિકી સંસદમાં ભારતવંશી અમેરિકન સાંસદને મોટી જવાબદારી અપાઇ છે. અમી બેરા, પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ અને રો ખન્નાને ત્રણ મુખ્ય હાઉસ પેનલમાં સદસ્ય તરીકે નિયુક્ત કરાયા છે. આ નવી નિમણૂકો અમેરિકાની રાજનીતિમાં ભારતીય સમાજનો વધતો પ્રભાવ દર્શાવે છે.
પ્રમિલા જયપાલની ઈમિગ્રેશન માટે શક્તિશાળી ગણાતી હાઉસ જ્યુડિશરી કમિટના રેન્કિંગ સદસ્ય તરીકે નિમણૂક કરાઇ છે. તેઓ આ પદ પર રહેનાર પ્રથમ અપ્રવાસી ભારતીય છે. 57 વર્ષીય પ્રમિલાએ ઇમિગ્રેશન ઈન્ટેગ્રિટી, સુરક્ષા અને ઈન્ફોર્સમેન્ટ કમિટીમાં કાર્યરત કોંગ્રેસ મહિલા જો લોફગ્રનની જગ્યા લીધી છે. પોતાની નિમણૂક ૫૨ પ્રમિલાએ જણાવ્યું કે, તેઓ અમેરિકામાં 16 વર્ષની ઉંમરે ખાલી હાથે આવ્યા હતાં. તેમની ખાસ કમિટીમાં નિમણૂક એક સપના સમાન છે.
અમી બેરાની ગુપ્ત માહિતી સંબંધિત શકિતશાળી અમેરિકી હાઉસ કમિટીમાં નિમણૂક કરાઇ છે. આ કમિટી ૫૨ ટોચની જાસુસી સંસ્થા સીઆઈએ, નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરની ઓફિસ, એનએસએની સાથે સાથે મિલિટ્રી ઈન્ટેલિજન્સ અને દેશની બીજી ખાનગી બાબતોની દેખરેખ રાખવાની જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે, અમી બેરા છઠ્ઠી વખત અમેરિકી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ કમિટીમાં સ્થાન મેળવીને તેઓ ગૌરવ મહેસૂસ કરી રહ્યા છે.
રાજા કૃષ્ણમૂર્તિને ચીન પર નવનિર્મિત હાઉસ કમિટીના સદસ્ય તરીકે સ્થાન અપાયું છે. આ કમિટી ચીનની રણનીતિના વિવિધ પહેલું પર ચર્ચા કરીને અમેરિકા માટે રણનીતિ બનાવશે. અમેરિકાની હાઉસ કમિટીના લઘુમતી સમાજના નેતા જેફિસે તેમની નિમણૂક કરી હતી. બીજી તરફ, ભારતીય અમેરિકન રો ખન્નાની નિમણૂક રિપબ્લિકન નેતા કેવિન મેકાર્થી દ્વારા બનાવાયેલી આર્થિક, ટેક્નિકલ અને સુરક્ષા સંબંધિત કમિટીમાં કરાઇ છે.