અમેરિકામાં છેલ્લાં એક મહિનામાં કોરોનાથી દૈનિક ૧૦૦૦થી વધુનાં મોત

Friday 21st August 2020 17:00 EDT
 
 

વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વકરતો જાય છે. ૧૮મી ઓગસ્ટના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૨૨૧૫૧૫૬૭, કુલ મૃત્યુઆંક ૭૭૯૬૫૪ અને સાજા થયેલા લોકોનો કુલ આંક ૧૪૮૮૮૦૧૭૫ નોંધાયો છે. વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાઈ રહ્યાં છે. ૧૮મી ઓગસ્ટના છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૫૬૨૩૫૧૨ નોંધાઈ હતી. મૃતકાંક ૧૭૪૧૪૧ અને રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૨૯૭૫૬૯૮ નોંધાઈ હતી. બીજા ક્રમે બ્રાઝિલમાં કુલ કેસની સંખ્યા ૩૩૬૩૨૩૫ અને ત્રીજા ક્રમે ભારતમાં કુલ કેસની સંખ્યા ૨૭૫૨૭૬૫ થઈ છે.
અમેરિકા માટે ચિંતાનો વિષય એ પણ છે કે છેલ્લાં એક મહિનામાં કોરોનાથી દૈનિક ૧૦૦૦થી વધુનાં મોત થયાં છે. અમેરિકાના સીડીસીના જણાવ્યા અનુસાર પાંચ સપ્ટેમ્બર સુધીમાં મરણાંક વધીને ૧,૮૯,૦૦૦ થઇ શકે છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સોમવારે કોરોનાના ૨૮૨ નવા કેસ નોંધાવાથી કુલ કેસની સંખ્યા વધીને ૨૩,૫૭૬ થતાં ફફડાટ ફેલાયો છે. એક સમયે કોરોના નાબૂદ થયો હતો તે દેશ ન્યૂ ઝીલેન્ડમાં ફરી કોરોના દેખાતાં વડા પ્રધાન જેસિન્ડા અર્ડેને દેશના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં ચૂંટણીને એક મહિના માટે મુલતવી રાખવાની જાહેરાત કરી છે. કોરોનાના કારણે જાપાનના અર્થતંત્રમાં એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં વાર્ષિક ધોરણે ૨૭.૮ ટકાનો વિક્રમજનક ઘટાડો થયો છે.
મલેશિયામાં કોરોનાથી પણ ભયંકર રોગ ફેલાયો
મલેશિયામાં સામાન્ય કોરોના વાઇરસ કરતાં દસ ગણો વધારે ચેપી કોરોના વાઇરસ મળ્યો છે. સંશોધકોએ તેનું નામ ડી૬૧૪ જી રાખ્યું છે. મલેશિયાની એક રેસ્ટોરાંના માલિકમાં આ પ્રકારનો સ્ટ્રેન મળી આવ્યો હતો. તે તાજેતરમાં ભારતથી પાછો ફર્યો હતો. આવો મામલો ફિલિપાઇન્સથી પાછા ફરનારા એક ગ્રૂપમાં પણ જોવા મળ્યો છે. જ્યાં ૪૫ લોકોમાંથી ૩ની અંદર કોરોનાની આ સ્ટ્રેન મળ્યો છે.
રશિયામાં વેક્સિનમાં ગરબડથી તબીબનું રાજીનામું
દુનિયામાં સૌ પ્રથમ વેક્સિન બનાવવાનો દાવા કરનારા રશિયાની વેક્સિન પર વિશ્વ આરોગ્ય સંસ્થાએ સવાલ ઉઠાવ્યા પછી પોતાના જ દેશમાં રશિયાએ વિરોધ સહન કરવો પડ્યો છે. વેક્સિન બનાવવામાં ગરબડ અને મેડિકલ એથિક્સનું પાલન ન કરવાથી નારાજ આરોગ્ય મંત્રાલયની નેશનલ કાઉન્સિલના સભ્ય અને વરિષ્ઠ ડોક્ટર એલેક્ઝેન્ડર કુશલિને પદ પરથી રાજીનામું આપી દીધું છે.
૧૮મી ઓગસ્ટ પ્રમાણે રશિયામાં કોરોનાના કુલ કેસ ૯૩૨૪૯૩ થયાં હતાં. કોરોનાથી મૃતકોની સંખ્યા ૧૫૮૭૨ અને રિકવર કેસ ૭૪૨૬૨૮ થયાં હતાં. ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે તેના અહેવાલમાં જણાવ્યું છે કે તેમની કોરોના રસીનાં પેટન્ટ થઈ ગયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter