વોશિંગ્ટનઃ અમેરિકામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને સામે સુનાવણી થઇ હતી. અહીં હેડલીએ કોર્ટમાં હુમલાના સંબંધમાં ભારે વટાણા વેર્યા હતા. હેડલીએ જણાવ્યું હતું કે ડેનમાર્કમાં ડેનિશ અખબાર પર હુમલો કરવા માટે તહવ્વુર રાણાએ જ તેના પ્રવાસને મંજૂરી આપી હતી. ડેનમાર્કમાં રાણાની ફર્મથી જ ઇમિગ્રેશન લો સેન્ટરનો પ્રતિનિધિ બનીને તે ગયો હતો. તેના માટે રાણાએ હેડલી માટે બિઝનેસ કાર્ડ પણ છપાવ્યા હતા. જોકે, અલ-કાયદા તરફથી મિક્કી માઉસ પ્રોજેક્ટ કોડનેમ હેઠળ જિલેન્ડ પોસ્ટન અખબાર પર હુમલાને અંજામ આપી શકાયો નહોતો. હેડલી-રાણા પર અખબારના કર્મચારીઓ પર હુમલો કરવાનો અને પાસે જ આવેલા યહૂદી પ્રાર્થના સ્થળને નિશાન બનાવવા માટે કાવતરું ઘડવાનો આરોપ લગાવાયો હતો. ચોંકાવનારી વાત એ છે કે અમેરિકામાં વર્ષ 2011માં રાણા પર બે મામલામાં કેસ ચલાવાયો હતો અને તેને ડેનિશ અખબાર પર હુમલાનું કાવતરું ઘડવામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાને મદદ પહોંચાડવા માટે દોષી ઠેરવાયો હતો. જોકે, ઘણાબધા પુરાવા હોવા છતાં અમેરિકન જિલ્લા કોર્ટની જ્યુરીએ તેને મુંબઇ હુમલામાં સામેલ હોવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો. જાન્યુઆરી 2013માં રાણાને સંઘીય જેલમાં 14 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ તેની પર પાંચ વર્ષ સુધી નજર રાખવાના નિર્દેશ પણ અપાયા હતા. આમ ત્યારે થયું હતું જયારે ડેવિડ હેડલીએ બંને કેસમાં વકીલો સામે ખુલીને રાણા વિરુદ્ધ પુરાવા આપ્યા હા. જોકે, રાણાના વકીલોનું કહેવું હતું કે ડેવિડ હેડલી ખોટું બોલીને બચી નીકળવામાં નિષ્ણાત છે. તેણે પોતાના ઘણા જૂના મિત્રોને ફોજગારી કેસોમાં ફસાવ્યા હતા અને પોતે ઓછી સજા સાથે બચી નીકળ્યો હતો.