ન્યૂ યોર્કઃ કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી અને દાન માગવાના આરોપસર પરા વિસ્તારની બસ એજન્સીના એક ભારતીય પૂર્વ મેનેજરને તાજેતરમાં ફેડરલ જેલમાં એક વર્ષ અને એક દિવસની સજા ફટકારાઈ હતી. શાઉમબર્ગ, શિકાગોના ૫૪ વર્ષના રાજીન્દ્ર સચદેવે એજન્સીના વિભાગીય મેનેજરના હોદ્દાનો દુરૂપયોગ કરીને ૨૦૧૦થી ૨૦૧૪ સુધીમાં આઈટી કોન્ટ્રાકટરો પાસેથી લાંચ અને કટકી માગી હતી.
સચદેવે કોન્ટ્રાક્ટરો પાસેથી ત્રણ લાખ ડોલર માગ્યા અને સ્વીકાર્યા હતા અને તેના બદલામાં પેસમાં તેમનો કોન્ટ્રાક્ટર ચાલુ રાખવા પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. સચદેવે પોતાની નિયંત્રણ હેઠળની કંપનીઓ મારફતે પેમેન્ટ લઈ આ બાબતને કંપનીથી છુપાવી રાખી હતી. સચદેવે ફેડરલ દ્વારા જેને નાણા ચૂકવાય છે તે એજન્ટ પાસેથી લાંચ અને કટકી લેવાના પોતાના ગુનાની ચાલુ વર્ષની શરૂઆતમાં જ કબૂલાત કરી દીધી હતી.
આ જિલ્લામાં જાહેર ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે અને આરોપીનો ભ્રષ્ટ વ્યવહાર જાહેર એજન્સીમાં લોકોના વિશ્વાસને હચમચાવી દે છે એમ સરકારના સજાના ફરમાન પછી સહાયક યુએસ એટર્ની મેથ્યુ મેડ્ડને કહ્યું હતું. સચદેવ પરા વિસ્તારની બસ સેવા આપતી એક કંપની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના પેટા વિભાગ એપ્લિકેશન ફોર પેસમાં વિભાગીય મેનેજર હતા. તેની ભૂમિકા માનવ સંસાધન, એકાઉન્ટિંગ, ખરીદી-ચૂકવણી અને ગ્રાન્ટની કામગીરી જેવા પેસના વિવિધ વેપારી એકમો પર દેખરેખ રાખવાની હતી. પેસ દ્વારા કંપની બહારના લોકો અથવા કંપની પાસેથી ઓનસાઈટ અને રિમોટ આઈટી સપોર્ટ પૂરું પાડવા કોન્ટ્રાક્ટથી સેવા લેવામાં આવતી હતી અને સચદેવાની જવાબદારી તે તમામ કામ પર દેખરેખ રાખવાની તેમજ કંપની સાથે કરાર કરવાની હતી. સચદેવા તેના બદલામાં આવા કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચ અને કટકી લેતો હતો.