વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ કાંઠા પર ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો હતો અને ઠેરઠેર તારાજી સર્જી હતી. ૧૪મીએ વાવાઝોડું નબળું પડયું હતું પણ નોર્થે કેરોલિના અને સાઉથ કેરોલિના તેમજ મેરિલેન્ડ, વર્જિનિયા અને જ્યોર્જિયામાં તબાહી મચાવી હતી. પૂર અને વરસાદને કારણે પાંચ લોકોનાં મોત થયાં હતાં. મૃત્યુઆંક વધી શકે છે તેવી શક્યતા સત્તાવાળાઓએ દર્શાવી હતી તો બીજી તરફ ફિલિપીન્સ અને હોંગકોંગ પર વિનાશ વેરીને આગળ વધેલું માંગખુટ વાવાઝોડું રવિવારે ચીનના ગુઆંગડોંગ પ્રાંત પર ત્રાટક્યું હતું. વાવાઝોડાએ ચાર લોકોનો ભોગ લીધો અને ૨૦૦૦ને ઈજા પહોંચી હતી. ૩૧ લાખ જેટલા લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
છેલ્લા પખવાડિયામાં અમેરિકાના નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના તેમજ મેરિલેન્ડ, વર્જિનિયા અને જ્યોર્જિયા, ફિલિપીન્સ અને ચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેન શહેરમાં ભારે તોફાની વરસાદ તેમજ પવનના સૂસવાટા બોલતા રહ્યાં. આ પ્રાંતોમાં નદીનાળાં છલકાઈ જવાથી જનજીવન ખોરવાઈ ગયું હતું.
અમેરિકામાં ૧૭ લાખથી વધુને અસર
નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા મુજબ નોર્થ અને સાઉથ કેરોલિનામાં ૩૦થી ૪૦ ઇંચ વરસાદ વરસ્યો હતો. ૭૦થી ૮૦ માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાની અસર તળે આવેલા વિસ્તારોના ૧૭ લાખથી વધુ લોકોને માઠી અસર થઈ હતી અને લાખો લોકોએ શેલ્ટરહોમમાં આશરો લીધો હતો. નોર્થ કેરોલિનાના મેયર રોય કૂપરે કહ્યું હતું કે છેલ્લાં ૧,૦૦૦ વર્ષમાં આવો વરસાદ નહીં પડયો હોય!
૧૦૦થી વધુ લોકોને બચાવાયાં
નોર્થ કેરોલિનાનાં વિલ્મિંગ્ટનમાં એક વૃક્ષ પડવાથી માતા અને બાળકનું મોત થયું હતું. પેન્ડર કાઉન્ટીમાં હાર્ટએટેકને લીધે એક મહિલાનું મોત થયું હતું. લેનીઓર કાઉન્ટીમાં બેનાં મોત થયાં હતાં. જેમાં ૭૮ વર્ષની મહિલાને કરંટ લાગ્યો હતો અને મૃત્યુ પામી હતી જ્યારે એક આધેડ વ્યક્તિ તેના કૂતરાને શોધવા નીકળ્યા ત્યારે ભારે પવનને કારણે ફેંકાઈ જતાં મોત નીપજ્યું હતું. ન્યૂ બર્નમાં પૂરનાં પાણી ભરાઈ જતાં ૩૦,૦૦૦ લોકોમાંથી ૧૦૦થી વધુ લોકોને બચાવાયાં હતાં.
ચીની નદીઓમાં પૂર
ચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેન શહેર પર વાવાઝોડું રવિવારે સાંજે ત્રાટક્યું હતું. વિસ્તારની ૪૮,૦૦૦ જેટલી માછીમારોની બોટને દરિયામાંથી પાછી બોલાવવામાં આવી હતી. વાવાઝોડાની આગાહીને પગલે ૨૯,૦૦૦ બાંધકામ સ્થાનો પર કામ બંધ રખાયા છે તો ૬૩૨ જેટલા પ્રવાસ સ્થાનો પર પણ બંધ છે. ઉત્તર ફિલિપીન્સમાં ભેખડો ધસી પડવાને કારણે અને મકાનો તૂટી પડતાં ૬૪ લોકોને ભોગ લઈને વાવાઝોડું હોંગકોંગ અને ચીન તરફ આગળ વધ્યું હતું. ગુઆંગડોંગ પ્રાંતના સત્તાવાળાઓએ ૩,૭૭૭ જેટલા શેલ્ટર ઊભા કરેલા છે અને અંદાજિત પૂર આવે તે વિસ્તારના એક લાખ લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવ્યું હતું કાંઠા વિસ્તારના શહેરોમાં સૈન્યને ૧,૦૦૦ લાઈફ બોટ સાથે ખડેપગે રાખવામાં આવ્યું હતું. રવિવારે સાંજથી જ પ્રાંતના તમામ શહેરોમાં પરિવહન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ચીનના ટાપુ રાજ્ય હૈનાન પરના બે એરપોર્ટની ૪૦૦ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.