વોશિંગ્ટન: કેલિફોર્નિયા સ્થિત કંપની એલેક એરોનોટિક્સે જાહેરાત કરી છે કે તેના ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ (eVTOL) વ્હિકલ મોડેલ એલેફ-એ ફ્લાઇંગ કારને ઉડાન ભરવા માટે અમેરિકી સરકારની કાનૂની મંજૂરી મેળવી ગઇ છે. આ ફ્લાઇંગ કાર ગત ઓક્ટોબરમાં સૌપ્રથમ રજૂ કરાઈ હતી. તે રસ્તા પર ચાલવા તેમજ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ માટે પણ સક્ષમ છે. ફુલ ચાર્જ કર્યા બાદ એક કે બે વ્યક્તિ સાથે ડ્રાઇવિંગ રેન્જ 322 કિમીની જ્યારે 177 કિમીની ફ્લાઈંગ રેન્જ ધરાવે છે. તેની કિંમત 3 લાખ ડોલરથી શરૂ થાય છે. એલેફની વેબસાઇટ પરથી કોઇ પણ વ્યક્તિ તેનું બુકીંગ કરાવી શકે છે.
એલેફના સીઈઓ જિમ દુખોવનીએ જણાવ્યું કે, યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (FAA) પાસેથી આ સર્ટિફિકેશન મેળવીને અમને ઘણો આનંદ થયો છે. અમે લોકોને ડ્રાઇવિંગ માટેનો પર્યાવરણની દષ્ટિએ સાનુકૂળ, ઝડપી વિકલ્પ પૂરો પાડવા જઈ રહ્યા છીએ, જેનાથી દર અઠવાડિયે લોકોના અને કંપનીઓના ઘણા કલાકો બચશે. ધીઝ ઇઝ વન સ્મોલ સ્ટેપ ફોર પ્લેન્સ, વન જાયન્ટ સ્ટેપ ફોર કાર્સ.
કંપની એલેફનો દાવો છે કે તેને લોકોનું અને કંપનીઓનું ભારે બુકિંગ સાંપડી રહ્યું છે. મોડલ-એનું પ્રોડક્શન 2025માં શરૂ થશે. કંપની દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર એલેફે યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન પાસેથી સર્ટિફિકેશન મેળવ્યું છે. આ પ્રકારના વ્હિકલે ઉડાન માટે પહેલી વાર અમેરિકી સરકારની મંજૂરી મેળવી છે.
મોડેલ-એ ઉપરાંત 2035માં મોડેલ-ઝેડ રજૂ કરવાનું પણ એલેફ કંપનીનું આયોજન છે. મોડેલ-ઝેડ સિંગલ ફૂલ ચાર્જમાં ડ્રાઇવિંગ રેન્જ 483 કિમી અને ફલાઇંગ રેન્જ 354 કિમી ધરાવતું હશે. અને તેમાં ચારથી છ લોકો બેસી શકશે.