• યુએસ સેન્યમાં ગીતા બોધ આપતી ભારતીય મહિલાઃ અમેરિકાના સેન્યમાં પ્રતિમા ધર્મને પ્રથમ હિન્દુ ચેપલિન તરીકે નિયુક્તી થઇ છે. બિહારના પટણામાં જન્મેલાં પ્રતિમાનો ઉછેર મુંબઇમાં થયો હતો. લગ્ન બાદ અમેરિકામાં સ્થાયી થયેલાં પ્રતિમા અમેરિકાન સૈન્યના પ્રથમ હિન્દુ ચેપલિન છે. પ્રતિમા ગીતાના ઉપદેશ દ્વારા અમેરિકી સૈનિકોનું કાઉન્સેલિંગ કરે છે. ઇરાક ગયેલી અમેરિકી સેના સાથે પ્રતિમા પણ યુદ્ધભૂમિમાં પહોંચ્યા હતાં. તેમને ચાર મહિના અગાઉથી ઇરાક જવાનો નિર્દેશ સેના દ્વારા અપાયો હતો અને તેઓ પોતાની પાંચ મહિનાની દીકરી, પતિ, માતા અને સાસુને છોડીને પોતાની સેના સાથે ઇરાક પહોંચી ગયાં હતાં. યુદ્ધભૂમિમાં મોત સામે ઝઝૂમી રહેલા ઘણા અમેરિકી સૈનિકો તેમની પાસે સલાહ માટે આવતા અને પ્રતિમા ગીતાના આધારે તેમનું કાઉન્સેલિંગ કરતાં હતાં.
• કેન્યામાં ત્રાસવાદીઓએ ૨૮ પ્રવાસીઓની હત્યા કરીઃ સોમાલિયાના અલ શબાબ આતંકવાદી સંગઠનના આતંકવાદીઓએ ઉત્તર કેન્યામાં એક બસનું અપહરણ કરી ૨૮ બિનમુસ્લિમોની હત્યા કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બસમાંથી બિનમુસ્લિમોને અલગ કરી તેમની હત્યા કરી હતી. ૬૦ યાત્રીઓવાળી બસ નૈરોબી જઇ રહી હતી ત્યારે સોમાલિયા સાથે જોડાયેલી કેન્યાની સરહદ પાસે આવેલા મનદેરા નગરથી ૩૧ માઇલ દૂર બસનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમ બે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
• મોદીએ નેપાળનો પ્રવાસ ટૂંકાવતા વિરોધઃ ૨૬-૨૭ નવેમ્બરે કાઠમંડુમાં યોજાનારા ૧૮મા સાર્ક સંમેલનમાં ભાગ લેવા નેપાળ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નેપાળ પ્રવાસ ટૂંકો જ રહેશે. તેમણે જનકપુર, લુમ્બિની અને મુક્તિનાથ જવાનો કાર્યક્રમ રદ કર્યો છે. જોકે મોદીનો આ પ્રવાસ રદ થવાના સમાચાર સામે આવતાં જ નેપાળના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. નેપાળના જનકપુર, બિરગંજ અને રાજવિરાજ જિલ્લામાં પ્રવાસ રદ થવાની વિરુદ્ધ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અનેક લોકોનો આરોપ હતો કે નેપાળ સરકારે નરેન્દ્ર મોદીને પૂરતી સુરક્ષા આપવામાં અસમર્થતા દર્શાવી હતી. તેના કારણે નરેન્દ્ર મોદીએ પ્રવાસ રદ કરવો પડ્યો છે.
• વેટિકન સિટીમાં કેરળના બે મિશનરીઓને સંતનું સન્માનઃ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસે ખૂબ જ લાંબી પ્રક્રિયા બાદ કેરાળના ફાધર કુરુયાકોસ ઉર્ફે ચાવારા અને સિસ્ટર યુફ્રેસિયાને સંતનું બિરુદ એનાયત કર્યું છે. વેટિકન સિટીમાં સેંટ પીટર્સ સ્ક્વેર ખાતે ગત સપ્તાહે યોજાયેલ વિશેષ પ્રાર્થનાસભામાં પોપ ફ્રાન્સિસે કેરળના વતની એવા બંન્ને ભારતીયોને સંતનું બિરુદ આપ્યું હતું. આ સમયે કેરળથી આવેલા ખ્રિસ્તી ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેની સાથે સદીઓ જૂના સીરિયો મલબાર ચર્ચ સાથે સંબંધ ધરાવતા સંતોની સંખ્યા ત્રણ થઈ છે. ફાધર કુરુયાકોસ એક સમાજસુધારક તરીકે પણ ખૂબ જ જાણીતા હતા તેમને સંત તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ૧૯૮૪માં શરૂ થઇ હતી. તેમનું નિધન ૧૮૭૧માં થયું હતું. ઉલ્લેખનીય છે કે ૨૦૦૮માં આ જ ચર્ચના સિસ્ટર યુફ્રેસિયા ત્રિચૂરમાં યુપ્રાચિઅમ્માનાં નામથી જાણીતા બન્યાં હતાં. તેમનું અવસાન ૧૯૫૨માં થયું હતું અને તેમને સંતનું બિરુદ આપવાની પ્રક્રિયા ૧૯૮૭માં શરૂ થઇ હતી.
• આર્થિક મંદીમાં સપડાયેલા જાપાનના વડા પ્રધાન શિંઝો અાબેએ વચગાળાની ચૂંટણીઓ જાહેરાત કરી છે. આર્થિક સર્વેમાં મંદીની વાત સામે આવતાં જાપાનના વડા પ્રધાને સેલ્સટેક્સમાં વધારાનો નિર્ણય પણ મુલતવી રાખ્યો છે. જાપાનના વડા પ્રધાને બે વર્ષ પહેલાં જ દેશની આર્થિક સ્થિતિ સુધારવાનું વચન આપીને સત્તા પ્રાપ્ત કરી હતી. નવેસરથી ચૂંટણીઓ ૧૪ ડિસેમ્બર યોજાવવાની પ્રબળ સંભાવના છે.