વોશિંગ્ટનઃ અમેરિકન સેનેટ (ઉપલુ ગૃહ), હાઉસ (નીચલુ ગૃહ) અને ગવર્નરની મિડટર્મ ચૂંટણીના પરિણામો આવી ગયા છે, વિવાદિત નીતિઓને કારણે વિશ્વભરમાં ચર્ચાસ્પદ અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પરિણામો આંચકા સમાન માનવામાં આવે છે. કેમ કે ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન્સે નીચલા ગૃહને ગુમાવ્યું છે. વિપક્ષ ડેમોક્રેટ્સને હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવમાં બહુમત મળ્યો છે. જોકે સેનેટમાં ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન્સે બહુમતની સ્થિતિ જાળવી રાખી છે. ૨૦૧૬માં યોજાયેલી અમેરિકાની મુખ્ય ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકે બન્ને સંસદમાં બહુમત મેળવી હતી, જેમાંથી હવે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ ગુમાવ્યો છે અને ડેમોક્રેટ્સે કબજો જમાવી લીધો છે.
જોકે ટ્રમ્પે આ પરીણામોને પોતાના પક્ષ માટે સકારાત્મક ગણાવ્યા હતા કેમ કે સેનેટમાં તેમને કોઇ અસર નથી થઇ. સેનેટ અમેરિકામાં ઉપલું ગૃહ માનવામાં આવે છે જે નિર્ણયો લેવા માટે વધુ સત્તા ધરાવે છે. જોકે બન્ને ગૃહમાં બહુમત હોવાથી ટ્રમ્પ મનમરજી મુજબ શાસન ચલાવી રહ્યાનું કહેવાઈ રહ્યું હતું. હવે તેના પર અમેરિકાની જનતાએ બ્રેક મારી હોવાનું મનાય છે.
આ ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ૪૩૫ સભ્ય, ૧૦૦માંથી ૩૫ સેનેટ, ૩૬ ગવર્નર તેમજ અનેક સ્ટેટ લેજિસ્લેચર્સ બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. અમેરિકાનું લોકતાંત્રિક માળખું પણ ભારત જેવું છે. અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ૪૩૫ બેઠક છે. જેમાંથી રિપબ્લિક પાસે ૨૩૫ની બહુમતી હતી જ્યારે ડેમોક્રેટ પાસે ૧૯૩ બેઠક હતી હવે આ ગણિત બદલાઇ ગયું છે અને ડેમોક્રેટ્સે બહુમત મેળવી લીધી છે જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી લઘુમતીમાં આવી ગઇ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર કબજો જમાવ્યા બાદ હવે સ્પીકર તરીકે પક્ષના વરિષ્ઠ ૭૮ વર્ષીય મહિલા નેતા નેન્સી પેલોસીની નિમણૂક પર સૌની નજર છે.
પરિણામોના પ્રાપ્ત આંકડા પર નજર કરીએ તો ૪૩૫ સભ્યો વાળા હાઉસમાં ડેમોક્રેટ્સે ૨૨૦થી વધુ બેઠકો પર કબજો મેળવી લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકનને ૧૯૨ બેઠકો જ મળી છે. એટલે કે ટ્રમ્પના પક્ષે ૩૦ જેટલી બેઠકો ગુમાવી છે જેટલો વધારો સામે ડેમોક્રેટ્સને થયો છે. જ્યારે અમેરિકાના વધુ તાકાત ધરાવતા સેનેટ પર ટ્રમ્પના પક્ષે બહુમત જાળવી રાખી છે. સેનેટની ૧૦૦ બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી જેમાં ટ્રમ્પના પક્ષ રિપબ્લિકને ૫૧ બેઠકો મળી ગઇ છે જ્યારે વિપક્ષ ડેમોક્રેટ્સ ૪૪ બેઠકો મળી છે.
ગવર્નરની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ટ્રમ્પના રિપબ્લિકે ૨૫ અને ડેમોક્રેટ્સે ૨૧ પર કબજો કર્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાની જનતાએ ૨૦૧૬માં ટ્રમ્પને જે સત્તાઓ આપી હતી તેમાં કાપ મૂક્યો છે અને સુધરવાના સંકેતો પણ આપ્યા છે. કેમ કે ટ્રમ્પની સત્તા હવે માત્ર એક જ ગૃહ પર રહી છે. જોકે તેઓ મોટા નિર્ણયો લેવા માટે હજુ પણ સ્વતંત્ર છે. પણ તેમણે વિરોધનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકામાં પહેલી વખત ‘ગે’ ગવર્નર
અમેરિકામાં સજાતીય સંબંધોને મંજૂરી મળ્યા બાદ એક ઇતિહાસ પણ રચાયો છે. પહેલી વખત અમેરિકામાં એક ગે નેતાને લોકોને ગવર્નર બનાવ્યા છે.
અબજોપતિઓની યાદીમાં સામેલ અને ટેક. એન્ટરપ્રિન્યોર જેરડ પોલિસ કોલોરાડોમાં ગવર્નર પદ પર જીત મેળવવામાં સફળ રહ્યા છે. ૪૩ વર્ષીય અને પાંચ વખત કોંગ્રેસમેન બનેલા જેરડે ડોનાલ્ડ ટ્રમ્પના ઉમેદવાર વોકર સ્ટેપલેટનને પછાડયા હતા. આ પહેલા ૨૦૧૫માં કેટ બ્રાઉન નામની સજાતીય સંબંધો ધરાવતી મહિલા પ્રથમ ગવર્નર બની હતી. જોકે પોલિશ પહેલા ગે છે કે જેઓ ગવર્નર બન્યા છે.
થોડા દિવસ પહેલા જ ભારતમાં પણ ગે સંબંધોને માન્યતા આપવામાં આવી હતી, તેના થોડા વર્ષો પહેલા જ અમેરિકાએ આ અધિકારો આપ્યા હતા. હવે લોકોએ પહેલા ગેને ગવર્નર બનાવીને એક ઇતિહાસ પણ સર્જ્યો છે.
પહેલી વખત સૌથી વધુ મહિલા
પહેલી વખત કોંગ્રેસમાં બે મુસ્લિમ મહિલા સાંસદ પણ બની છે અને આ સાથે ૮૯ મહિલાઓ હાઉસમાં ચુંટાઈ છે. વિપક્ષ ડેમોક્રેટિકની બન્ને મુસ્લિમ નેતાને જનતાએ ચૂંટીને ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને પણ ફટકો માર્યો છે. અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં કેટલાક રેકોર્ડ પણ સર્જાયા છે. આ વખતે પહેલી વખત રેકોર્ડ બ્રેક ૮૯ મહિલાઓને હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ તરીકે ચૂંટવામાં આવી છે. આ પહેલા આ રેકોર્ડ ૮૪ મહિલાઓનો હતો, જેમાં વધુ પાંચ મહિલાઓનો ઉમેરો થયો છે. આ સાથે જ પહેલી વખત બે મુસ્લિમ મહિલાઓેએ પણ બાજી મારી છે. અમેરિકી કોંગ્રેસમાં બે મુસ્લિમ મહિલાઓને પસંદ કરવામાં આવી છે.
એક તરફ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ મુસ્લિમોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે જ્યારે બીજી તરફ અમેરિકાની જનતા મુસ્લિમ મહિલાઓને ચૂંટણીમાં પોતાના પ્રતિનિધિ બનાવીને ડોનાલ્ડ ટ્રમ્પને મોટો તમારો માર્યો છે. મિનેસોટા અને મિશિગનના મતદારોએ મુસ્લિમ મહિલા ઇલહાન ઉમર અને રાશિદા તલૈબને સાંસદ બનાવી છે. આ બન્ને નેતાઓ વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીની છે જે ડોનાલ્ડ ટ્રમ્પની વિરોધી પાર્ટી છે. આ જીતને લોકો ટ્રમ્પના મુસ્લિમોને કાઢી મુકી એક પ્રકારના ધ્રુવીકરણના રાજકારણને તમાચો છે.
દેશ અને દુનિયા પર અસર
અમેરિકામાં ભારતની માફક જ લોકશાહી છે, પરંતુ સિસ્ટમ થોડી અલગ છે. ભારતમાં સંસદના બે ભાગ લોકસભા અને રાજ્યસભા છે, એ રીતે અમેરિકામાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (લોકસભા) અને સેનેટ (રાજ્યસભા) એવા બે ગૃહ છે. (સેનેટને કોંગ્રેસ પણ કહેવામાં આવે છે.) ભારતમાં રાજ્યસભા સર્વોચ્ચ છે એ રીતે અમેરિકામાં સેનેટ પાવરફૂલ છે અને તેના પર હાલ ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે રિપબ્લિકન પાર્ટીનો કબજો છે, બહુમતી છે.
અમેરિકાની લોકસભા ગણી શકાય એવું ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ છે. તેના પર અત્યાર સુધી રિપબ્લિકનનો કબજો હતો, પણ હવે મધ્યવર્તી ચૂંટણીમાં ડેમોક્રેટ બાજી મારી ગયા છે. ૪૩૫ બેઠક ધરાવતા હાઉસમાં હાલ ડેમોક્રેટ રિપબ્લિકને પછાડીને આગળ નીકળી ચૂક્યા છે. અમેરિકી સરકાર અને વહીવટી તંત્ર પર રિપબ્લિકન(ટ્રમ્પ)નો કબજો હતો અને હજુ પણ રહેશે. કેમ કે ફાઈનલ નિર્ણયો તો સેનેટમાં લેવાય. પરંતુ હાઉસમાં બહુમતી ઘટવી એ પણ ટ્રમ્પના ગઢમાં ગાબડું પડવા જેવી ઘટના તો છે જ. અમેરિકા અને વિશ્વના રાજકારણ પર તેની અસર થયા વગર રહેશે નહીં.
ટ્રમ્પ સરકાર પર અસર
આ ચૂંટણી રાષ્ટ્રપતિની કે સરકારની ચૂંટણી ન હતી, પરંતુ અમેરિકાના જનપ્રતિનિધિઓની ચૂંટણી હતી. માટે હાર-જીતથી ટ્રમ્પને વ્યક્તિગત રીતે કશો ફરક પડતો નથી. બીજી તરફ સેનેટમાં ટ્રમ્પની બહુમતી છે. છેલ્લા ૧૦૫ વર્ષમાં આ પાંચમી એવી ઘટના છે, જ્યારે રાષ્ટ્રપતિ જે પક્ષનો હોય એ પક્ષને સેનેટમાં બહુમતી મળી હોય, ટ્રમ્પે આ સિદ્ધિ માટે ટ્વિટર પર લખ્યું હતું કે આ મારો જાદુ છે, આખી દુનિયા ટીકા કરતી હોવા છતાં મારી આગેકૂચ રોકાઈ નથી. સેનેટમાં બહુમતી હોવાથી ટ્રમ્પે થોડા વખત પહેલા ટ્રમ્પે અમેરિકી સુપ્રીમ કોર્ટના જજ સહિતની કેટલીક નિમણુક કરીને તેને કોઈ અડચણ નહીં આવે. પરંતુ હાઉસમાં બહુમતી ન હોવાથી ટ્રમ્પના નિર્ણયોની પૂરપાટ આગળ વધી રહેલીને ગાડીને બ્રેક જરૂર લાગશે.
૩૬ ગવર્નરની ચૂંટણી
આ ચૂંટણી હાઉસ અને સેનેટ ઉપરાંત ૫૦માંથી ૩૬ રાજ્યોના ગવર્નર માટેની પણ હતી. અમેરિકામાં દરેક રાજ્યનું આગવું બંધારણ છે અને ગવર્નર રાજ્યનો વડો હોય છે. તેની પાસે પણ ઘણી સત્તા હોય છે. અત્યારે ગવર્નર ગમે તે હોય તેનાથી કદાચ ટ્રમ્પને ફરક ન પડે, પરંતુ ૨૦૨૦માં રાષ્ટ્રપતિની ચૂંટણી આશે ત્યારે ગવર્નરનો રોલ મહત્ત્વનો બની રહેશે.
એક અમેરિકન પક્ષ દુનિયાનો સૌથી જૂનો
અમેરિકામાં પણ ઘણા રાજકીય પક્ષો છે. પરંતુ દુનિયા માટે તો રિપબ્લિકન અને ડેમોક્રેટિક એ બન્ને પક્ષ જ મહત્ત્વના છે. કેમ કે અમેરિકાના પ્રમુખ આ બે પક્ષમાંથી જ ચૂંટાતા આવે છે. અત્યારે રિપબ્લિકન પક્ષ સત્તા પર છે, તેના નેતા ટ્રમ્પ પ્રમુખ છે. અગાઉ આઠ વર્ષ સુધી ડેમોક્રેટ્સે શાસન કર્યું એ ગાળામાં ઓબામા પ્રમુખ રહ્યા હતા. હવે ઓબામા માત્ર પક્ષના એક સભ્યથી વિશેષ કોઈ હોદ્દો ભોગવતા નથી.
ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના ૧૮૨૮માં થોમસ જેફરસન અને એન્ડ્રયુ જેક્સન જેવા નેતાઓએ કરી હતી. જેઓ અમેરિકાના ફાઉન્ડિંગ ફાધર્સ ગણાય છે. હાથીનો સિમ્બોલ ધરાવતી રિપબ્લિકન પાર્ટી એ પછી ૧૮૫૪માં સ્થપાઈ હતી. એ પક્ષના પ્રથમ પ્રમુખ હતા અબ્રાહમ લિંકન.