સુરતઃ અમેરિકા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યાં છે. અમેરિકાએ ભલે પ્રતિબંધો લાદયા, પણ ભારત સરકાર અને ભારતીય કંપનીઓ તેનો ભરપૂર લાભ ઉઠાવી રહી છે. ભારત સરકારે રશિયા પાસેથી નીચા ભાવે જંગી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદ્યું હોવાના અહેવાલો બાદ હવે ભારતીય વેપારીઓએ રશિયામાંથી રફ હીરાની જંગી ખરીદી કર્યાના અહેવાલો છે. રશિયા સાથે કોઈ પણ પ્રકારના વ્યવહારો નહીં કરવા બાબતે હિમાયત થઈ હોવા છતાં હીરા ઉદ્યોગની 15થી વધુ મોટી કંપનીઓએ અંદાજે 3000 કરોડથી વધુની રફ રશિયા પાસેથી ખરીદી હોવાની ચર્ચા છે.
અમેરિકાથી વિપરિત ભારતના રશિયા સાથે સંબંધો ખૂબ મિત્રતાપૂર્ણ રહ્યાં છે. જોકે, વિશ્વના અનેક દેશો દ્વારા રશિયા ઉપર પ્રતિબંધ લદાયા હોવા છતાં ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોમાં કોઈ મોટી અસર જોવા મળી નથી. અનિશ્ચિતતાભર્યા વૈશ્વિક માહોલના કારણે હીરા ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી રહી છે. આવા સંજોગોમાં રશિયા પાસેથી મોટી માત્રામાં રફ હીરાની ખરીદી કરવાની તક હીરા ઉદ્યોગકારોએ ઝડપી લીધી છે.
સુરત અને મુંબઈની 15થી વધુ કંપનીઓએ રશિયા સાથે સીધો વેપાર કરીને મોટાં જથ્થામાં રફ હીરાનો માલ ખરીદ્યો છે. હીરાબજારમાં ચાલતી ચર્ચા અનુસાર અંદાજે 400મિલિયન યુએસ ડોલર એટલે કે રૂ. 3000કરોડથી વધુની કિંમતની ખરીદી થઇ છે. રફની આ ખરીદી બજારભાવની સરખામણીએ 30 ટકા ઓછાં ભાવે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રશિયાને રફ હીરા વેચવા હતી અને હીરા ઉદ્યોગકારોને માલ ખરીદવો હતો એટલે મોટા પ્રમાણમાં આ વેપાર થઈ શક્યો છે.
રફ હીરાના ભારતીય માર્કેટમાં રશિયાનો હિસ્સો અંદાજે 29 ટકા જેટલું હોવાનું હીરા બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રશિયન રફ હીરાની ગુણવત્તા સૌથી સારી છે અને તેને કારણે રશિયાથી મોટા પ્રમાણમાં રફ ખરીદવામાં આવે છે. રશિયન રફ હીરા ભારત ઉપરાંત દુબઈ અને હોંગકોંગ જેવા સેન્ટરોમાં વેચાણ માટે પહોંચે છે.