વોશિંગ્ટનઃ અમેરિકામાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગ દરમિયાન ફ્લોરિડાની એક મહિલા સાથે અજીબોગરીબ ઘટના બની હતી. એક ખાનગી એરલાઇન કંપનીની ગંભીર ભૂલને કારણે મહિલા સીધી દરિયાપારના દેશમાં જઇ પહોંચી હતી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે મહિલા એ૨પોર્ટ પર ઉતરી ત્યારે તેની પાસે ન તો પાસપોર્ટ હતો કે ન તો વિઝા. મીડિયા રિપોર્ટ મુજબ, એલિસ હેબાર્ડ નામની મહિલાએ અમેરિકન એરલાઇન કંપની ફ્રન્ટિયરથી ઉડાન ભરી હતી. આ મહિલાએ ન્યુ જર્સીથી ફ્લોરિડા જવાની ટિકિટ લીધી હતી. જોકે ચેક-ઇન દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફની ભૂલથી તેને બીજી ફ્લાઈટમાં દોરી જવામાં આવી હતી અને આમ તે કેરેબિયન દેશ જમૈકા પહોંચી ગઈ હતી.
આ ગંભીર ચૂક જાહેર થયા પછી ફ્રન્ટિયર એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું, ‘આ ઘટના અંગે અમને ખેદ છે. અમે આ માટે માફી માગીએ છીએ. અમે પેસેન્જરને રિફંડ અને વળતર બન્ને આપ્યા છે. તેમજ એરપોર્ટના કર્મચારીઓ સાથે મળીને મામલો થાળે પડ્યો છે.’