વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શૃંગલાએ કહ્યું કે, અમેરિકન મીડિયાનો એક હિસ્સો, ખાસ કરીને પોતાને ઉદારવાદી ગણાવતા લોકો, કાશ્મીરની એકતરફી તસવીર રજૂ કરી રહ્યા છે. આવું તેઓ એ લોકોના કહેવાથી કરી રહ્યા છે જે ભારતનાં હિતો વિરુદ્ધ કામ કરી રહ્યા છે. ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ ખતમ કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેચ્યુ છે. આ નિર્ણયથી ત્યાંના લોકોનું જ ભલું થશે. તેનાથી તેમને અધિકારો મળશે, જેનાથી તેઓ દાયકાઓથી વંચિત હતા. એક ઈન્ટરવ્યૂમાં શૃંગલાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ અરાજકતાવાદી કલમ હતી. તેનાથી અર્થતંત્રનું ગળું ઘોંટાઈ ગયું હતું. પાકિસ્તાની આતંકવાદને પ્રોત્સાહન મળતું હતું. અમેરિકન મીડિયાનો એક હિસ્સો આ મુદ્દાનો ઉલ્લેખ જ નથી કરતો, પરંતુ તેને ઉજાગર કરવા અત્યંત મહત્ત્વનું છે. અમેરિકન મીડિયાનો એક વર્ગ સતત ઈરાદાપૂર્વક જમ્મુ-કાશ્મીરની એકતરફી તસવીર રજૂ કરી રહ્યો છે. તેઓ આ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરતા રહ્યા, જેનાથી ભારતનું નુકસાન ઈચ્છતા પક્ષોએ તેને આગળ વધાર્યું.
અમેરિકન મીડિયાના રિપોર્ટઃ સુરક્ષાદળોના ફાયરિંગમાં યુવકનું મોત, અધિકારીઓ કહે છે કે કાશ્મીરમાં શાંતિ છે
• વોશિંગ્ટન પોસ્ટ: ૭ સપ્ટેમ્બરે આ અખબારમાં લખ્યું છે કે શ્રીનગરમાં સુરક્ષાદળોનાં ફાયરિંગમાં એક મહિના પહેલાં ઈજાગ્રસ્ત થયેલા યુવક અસરાર અહમદ ખાન (ઉં ૧૯)નું મોત થયું આમ છતાં ભારતના ઉચ્ચ સુરક્ષા અધિકારી કહે છે કે કાશ્મીરમાં શાંતિ છે.
• યુએસએ ટુડે: ૭ સપ્ટેમ્બરે લખ્યું છે કે ભારતીય સેનાના લાખો જવાનોએ મુસ્લિમ બહુમતી કાશ્મીરને જેલમાં ફેરવી દીધું. સુરક્ષાદળો અહીં હુમલો કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારમાં પોલીસ કારણ કહ્યા વિના હજારો ઘરોમાં રાત્રે તપાસ કરી રહી છે.
• ન્યૂ યોર્ક ટાઈમ્સઃ ૫ સપ્ટેમ્બરે લખ્યું કે, ભારતની હિન્દુ રાષ્ટ્રવાદી સરકારે મુસ્લિમ બહુમતી ક્ષેત્રની સ્વાયત્તતા ઓછી કરી દીધી છે. સરકાર કહે છે કે કાશ્મીરમાં ફરી લેન્ડલાઈન ફોન સેવા શરૂ થઈ ચૂકી છે, જ્યારે લોકો હજુ ફોન નથી લગાવી શકતા.
ભારત સરકારનો દાવોઃ કાશ્મીરી યુવકનું ગોળી વાગવાથી નહીં, કોઈ કઠોર વસ્તુના પ્રહારથી મોત!
• એનએસએ: અજિત ડોભાલે ૭ સપ્ટેમ્બરે કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ સારી છે. એકમાત્ર ઘટનામાં એક યુવકનો જીવ ગયો છે, પરંતુ આ મોત ગોળી વાગવાથી નથી થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે આ યુવકનું મોત કોઈ કઠોર વસ્તુના પ્રહારના કારણે થયું છે.
• એનએસએ: ડોભાલે કહ્યું કે સુરક્ષાદળોના અત્યાચારનો સવાલ જ નથી ઊઠતો. તેઓ જાહેર વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સેના આતંકીઓ સામે લડવા તહેનાત કરાઈ છે. જમ્મુ-કાશ્મીરના ૧૯૯ પોલીસ સ્ટેશન એરિયામાંથી ફક્ત ૧૦માં પ્રતિબંધાત્મક આદેશ જારી છે.
• મુખ્ય સચિવ: જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યુ કે ખીણના તમામ વિસ્તારોમાં લેન્ડલાઈન ફોન સેવા ફરી શરૂ કરી દેવાઈ છે. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ સેવા માટે સ્થિતિ પર નજર રખાઈ રહી છે. જમ્મુ અને લદાખમાં પહેલેથી જ સેવા ચાલુ છે.