વોશિંગ્ટનઃ ભારત-ચીન વચ્ચે તંગદિલી સર્જાઈ છે ત્યારે ચીનને અંકુશમાં રાખવા અને જરૂર પડે તો ટાર્ગેટ બનાવવા અમેરિકાએ તેનું વિમાનવાહક જહાજ ‘નિમિત્ઝ’ આંદામાન-નિકોબાર નજીક મોકલ્યું છે. ૯૦ ફાઈટર જેટ તેમજ ૩૦૦૦ સૈનિકો સાથેનું આ વિમાનવાહક જહાજ અત્યંત શક્તિશાળી છે. દુશ્મનોનો પળભરમાં ખાતમો બોલાવે તેવા ખતરનાક શસ્ત્રોથી તે સજ્જ છે. ‘નિમિત્ઝ’ને તહેનાત કરીને ભારત-અમેરિકાએ ચીન પરનું દબાણ વધાર્યું છે. ‘નિમિત્ઝ’એ હવે હિંદ મહાસાગરમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ભારતીય નેવી અગાઉથી જ આ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે.
એશિયામાં અમેરિકાનાં ૩ યુદ્ધજહાજો
અમેરિકાએ એશિયામાં ૩ યુદ્ધજહાજો તહેનાત કર્યા છે. એક યુદ્ધજહાજ રોનાલ્ડ રિગન સાઉથ ચાઈના સીમાં, બીજું થિયોડોર રૂઝવેલ્ટ ફિલિપાઈન્સના સાગરકાંઠે અને ત્રીજુ ‘નિમિત્ઝ’ આંદામાન નિકોબાર નજીક પેટ્રોલિંગ કરે છે.
હિન્દ મહાસાગરમાં ભીંસમાં લેવા વ્યૂહ
એક તરફ ભારતનું શક્તિશાળી નૌકાદળ અને બીજી તરફ અમેરિકાનું વિમાનવાહક જહાજ પેટ્રોલિંગ કરી રહ્યું છે તેથી ડ્રેગન દરિયામાં ભીંસમાં છે. ચીનનો ગલ્ફનાં દેશો સાથેનો વેપાર હિન્દ મહાસાગરમાંથી થાય છે અને તે ક્રૂડ તેમજ ઊર્જાની આયાત પણ આ દરિયાઈ માર્ગે કરે છે.