અમેરિકી સેનેટઃ ૧.૯ ટ્રિલિયન ડોલરનું કોરોના રાહત બિલ પાસ

Tuesday 09th February 2021 14:32 EST
 
 

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના કેસની સંખ્યા મંગળવારે ૧૦૭૧૭૨૩૩૪, કુલ મૃતકાંક ૨૩૪૧૩૫૧ અને કુલ રિકવરી આંક ૭૯૦૨૭૮૯૯ નોંધાયો હતો. અમેરિકામાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૨૭૭૦૪૪૮૫ થયો હતો અને કુલ મૃતકાંક ૪૭૬૫૫૪ થઈ ગયો હતો એ અગાઉ સેનેટ રિપબ્લિકનોના સહકાર વિના જ પ્રમુખ બાઈડેનના કોરોના વાઈરસ રાહત પેકેજનાં ૧.૯ ટ્રિલિયન ડોલરના બિલને ઝડપથી પાસ કરવા એક વધુ પગલું ભર્યું હતું. આ વખતે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ચેરમેનની ફરજ નિભાવી રહ્યા હોવાથી તેમણે કાસ્ટિંગ વોટ આપતા બિલ ૫૦-૫૧ મતથી પસાર કરી શકાયો હતો. પાંચમીએ અમેરિક સ્થાનિક સમય પ્રમાણે સવારે લગભગ સાડા પાંચ વાગે ૫૦ વિરુદ્ધ ૫૧ મતથી બિલને પાસ કર્યાની જાહેરાત ડેમોક્રેટ્સ સભ્યોએ તાળીઓથી વધાવી હતી. આખી રાત સેનેટમાં સાંસદો સુધારા પર ચર્ચા કરતા રહ્યા હતા. અંતે સેનેટરોએ સુધારા પર મત આપી કોવિડ-૧૯ રાહત માટે બિલ પસાર કર્યું હતું.
ઓક્સફર્ડની રસી નવા કોરોના વાઈરસ બેઅસર
ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન નવા કોરોના વાઇરસ પર બેઅસર જણાઈ છે જેને પગલે દક્ષિણ આફ્રિકાની સરકારે આ વેક્સિનની સપ્લાય પર હાલ પૂરતી રોક લગાવી છે. નોંધનીય છે કે વૈજ્ઞાનિકોએ ૨૦૦૦ લોકો પર આ વેક્સિનની ટ્રાયલ લીધી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે આ વેક્સિન નવા સ્ટ્રેન સામે સામાન્ય બચાવ કરે છે. કોરોનાથી થતા મોતમાં પણ ઘટાડો થયો ન હતો. દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા તરફથી દક્ષિણ આફ્રિકાને ૧૦ લાખ ડોઝ મળી ગયા છે અને વેક્સિનેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ વૈજ્ઞાનિકોના અભ્યાસ બાદ આગળની સપ્લાયને હોલ્ડ પર મૂકી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં ૯૦ ટકા કેસ નવા સ્ટ્રેનના છે. જો તેના પર વેક્સિન અસરકારક ના હોય તો તે લેવાનો કોઈ ફાયદો નથી.
ચીની વેક્સિન ખરીદવા નેપાળ પર દબાણ
કાઠમંડુમાં ચીન એમ્બેસીના કેટલાક દસ્તાવેજો લીક થયા છે જેમાં ચીને નેપાળને પોતાની વેક્સિન માટે તરત મંજૂરી આપવાની ધમકી આપી છે અને જણાવ્યું છે કે મંજૂરી આપવામાં વિલંબ કરાશે તો તેણે લાંબા સમય માટે રાહ જોવી પડશે. નેપાળ સરકારે આ લીક થયેલાં દસ્તાવેજ સાચા હોવાનું જણાવ્યું હતું જ્યારે ચીની એમ્બેસીએ આ મુદ્દે કઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter