બુખારેસ્ટઃ દુનિયામાં મોટા ભાગનાં લોકો ઇચ્છે છે કે જીવનમાં એક વાર લોટરી લાગે તો રૂપિયાની રેલમછેલ થઇ જાય, પરંતુ રોમાનિયાના અર્થશાસ્ત્રી સ્ટીફન મેન્ડલ માટે લોટરીનો જેકપોટ જીતવો એ ડાબા હાથનો ખેલ બની ગયો છે. કાયદાનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કર્યા વિના સ્ટીફને પોતાનાં ગાણિતિક જ્ઞાનનો ઉપયોગ કરી એકાદ-બે વાર નહીં પરંતુ ૧૪-૧૪ વાર લોટરી જીતી છે.
સ્ટીફન મન્ડેલ નસીબથી નહીં, પરંતુ ગણિતના સિદ્ધાંતોના આધારે લોટરી જીતી રહ્યા છે. આ માટે તેમણે બીજગણિતના આધારે કોમ્બિનેશનલ કન્ડેસેશન નામની ફોર્મ્યુલા તૈયાર કરી છે, જેની મદદથી તેઓ લોટરીના પાંચથી ૬ વિનિંગ નંબર શોધી કાઢવામાં સફળ થઈ જાય છે. ૫૮ વર્ષની કારકિર્દીમાં સ્ટીફન રોમાનિયા, ઓસ્ટ્રેલિયા ઇઝરાયેલ, બ્રિટન અને અમેરિકામાં લોટરી જીતી ચૂક્યા છે. ૧૯૬૦માં રોમાનિયામાં સામ્યવાદી શાસન હતું. ભૂખમરાથી બચવા અને પોતાના પરિવારનાં ગુજરાન માટે સ્ટીફને લોટરીમાં હાથ અજમાવવાનો નિર્ણય લીધો હતો. પહેલાં તેમણે રોમાનિયામાં પોતાની ફોર્મ્યુલા અજમાવી, તેમાં સફળતા મળતાં ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા.
લોટરીના નિયમો બદલી નંખાયા
રોમાનિયામાં સ્ટીફનને લોટરી જીતતા અટકાવવા લોટરી સંબંધિત નિયમો જ બદલી નાખવામાં આવ્યા હતા. રોમાનિયામાં જેકપોટ જીત્યા પછી સ્ટીફન ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. અહીં પણ તેમણે પોતાની ફોર્મ્યુલાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયામાં સ્ટીફને ૧૨ લોટરી જીતતાં અધિકારીઓની નજરે ચડી ગયા હતા. અહીં સ્ટીફનને અટકાવવા માટે એક વ્યક્તિ માટે લોટરીની જથ્થાબંધ ટિકિટ ખરીદવા પર રોક લગાવી દેવાઈ હતી. લોટરીના નિયમો આકરા બનાવી દેવાયા હતા.
લોટરી જીતવા સ્ટાફ અને સોફ્ટવેર
સ્ટીફને લોટરીના વિનિંગ નંબરની ગણતરી માટે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું. તેની મદદથી તેઓ લોટરી જીતવામાં સફળ થતા હતા. એક સિંગલ કોમ્બિનેશન વિનિંગ નંબર તૈયાર કરવા માટે સ્ટીફન ૩૦થી વધુ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા. આ કામ માટે તેમણે ૧૬ કર્મચારીઓને નોકરી પર રાખ્યા હતા.
લોટરીથી ૩ કરોડ ડોલર બનાવ્યા
ઓસ્ટ્રેલિયામાં નિયમો કડક થતાં સ્ટીફને અમેરિકી લોટરી સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અમેરિકી લોટરી સિસ્ટમમાંથી તેમણે ૩ કરોડ ડોલર કરતાં વધુની કમાણી કરી હતી. સ્ટીફને રોમાનિયામાં ૧, ઓસ્ટ્રેલિયામાં ૧૨ અને અમેરિકાનાં વર્જિનિયામાં સૌથી મોટો જેકપોટ જીત્યો હતો. સ્ટીફને બ્રિટન અને ઇઝરાયેલના લોટરીબજારોમાં પણ ઝંપલાવ્યું છે.
ભાગીદારીમાં કંપની સ્થાપી!
રોમાનિયા અને ઓસ્ટ્રેલિયામાં અધિકારીઓએ લોટરીના નિયમો આકરા બનાવતાં લોટરીમાં મૂડીરોકાણ માટે સ્ટીફને પેસિફિક ફાઇનાન્શિયલ રિસોર્સીઝ નામની કંપની બનાવી હતી. સ્ટીફન કહે છે કે, હું ફોર્મ્યુલાની મદદથી દોસ્તો પાસેથી નાણાં લઈને લોટરીની જથ્થાબંધ ટિકિટ ખરીદી લેતો હતો. એક વાર લોટરી જીતવાથી ૧૪ લાખ રૂપિયા મળતા હતા. તમામ ખર્ચ બાદ કરતાં રૂપિયા ૩ લાખની બચત થતી હતી. ઓસ્ટ્રેલિયામાં ગ્રૂપમાં લોટરીની ટિકિટ ખરીદવા પર પ્રતિબંધ લાગ્યો તો તેમણે એક લોટરી કંપની ઊભી કરી દીધી હતી, જેમાં તેમને પાંચ બિઝનેસ પાર્ટનર પણ મળી ગયા હતા. તેમની મદદથી સ્ટીફને લોટરીનો કારોબાર અમેરિકા, બ્રિટન, ઈઝરાયેલ જેવા દેશોમાં વિસ્તાર્યો હતો.