બગદાદઃ પશ્ચિમ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના વડા અબુ બકર અલ બગદાદી હવાઇ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનાં અહેવાલ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, માર્ચમાં અમેરિકા અને તેના સાથી દેશ દ્વારા થયેલા હવાઇ હુમલામાં તે ગંભીર રીતે ઘવાયો હતો. પહેલા તો બગદાદીની ઇજાઓ ખૂબ ગંભીર હતી. પરંતુ પાછળથી તબિયતમાં સુધારા થયો હતો. પરંતુ હજુ પણ તે ઘાયલ જ છે અને આરામ કરી રહ્યો છે. તેણે સંગઠનની બાગડોર ફરીથી સંભાળી નથી. પહેલા તો આઇએસનાં નેતાઓ ભેગા થઇને નવા નેતાની શોધમાં લાગી ગયા હતા. કારણ કે, પહેલા એવું લાગતું હતું કે ઘાયલ બગદાદી વધુ નહીં જીવી શકે. અધિકારીઓએ એ વાતને પુષ્ટિ આપી છે કે સીરિયાની સરહદ નજીક આવેલા અલ-બાજ પર થયેલા ૧૮ માર્ચના હવાઇ હુમલામાં તે ઘવાયો હતો. હવાઇ હુમલા દ્વારા ત્રણ કારની કોન્વોય પર હુમલો કરાયો હતો. આ હવાઇ હુમલો કરનારને એ વાતની જાણ ન હતી કે આ કારમાં બગદાદી છે. બગદાદી આ વિસ્તારમાં છુપાઇને રહેતો હતો. આ વિસ્તાર મોસુલથી ૨૦૦ કિ.મી દૂર આવેલું છે.