આપણે યાયાવર એટલે કે પ્રવાસી પક્ષીઓ વિશે જાણીએ છીએ. અનેક પ્રકારના પક્ષીઓ શિયાળાની કાતિલ ઠંડીથી બચવા માટે છેક રશિયાના સાઈબેરિયાથી ગુજરાતના નળ સરોવર વિસ્તારમાં આવતા અને સમયાંતરે પરત ફરી જતાં હોવાનું પ્રમાણ છે. આવા જ એક યાયાવર પક્ષીએ 8435 માઇલ 8,435 (13,560 કિલોમીટર)નો સતત 11 દિવસનો વણથંભ્યો પ્રવાસ કરીને સ્થળાંતર - માઇગ્રેશનનો નવો વિશ્વવિક્રમ રચ્યો છે. સેટેલાઈટ ટેગ નંબર ‘234684’થી ઓળખાતા આ બાર-ટેઈલ્ડ ગોડવિટ (Limosa lapponica) પક્ષી અલાસ્કાથી ઓસ્ટ્રેલિયાના ટાસ્માનિયા જઇ પહોંચ્યું છે, અને આ પ્રવાસ દરમિયાન તે પણ ખોરાક-પાણી કે આરામ લીધા વગર.
ઘણાં ઓછાં પક્ષીઓ પોતાના જીવનકાળમાં એક જ જગ્યાએ વસવાટ કરે છે. માટાં ભાગના પક્ષીઓ પૂરતા ખોરાકની શોધમાં, પરિવાર બનાવવા અથવા બદલાતી ઋતુઓમાં અસ્તિત્વ જાળવવા અન્ય સ્થળોએ જાય છે. કેટલુંક સ્થળાંતર ટુંકા સમયનું હોય છે જ્યારે કેટલાંક પક્ષીઓ સમુદ્રો અને પૃથ્વીના એક છેડેથી બીજા છેડાના ખંડો પાર કરીને અન્ય સ્થળોએ જાય છે. સપ્તાહો સુધી આ ઉડ્ડયનો ચાલતાં હોવાથી દિશા ભટકી જવાનું તેમના માટે જીવલેણ પણ બની જાય છે. જોકે, ‘234684’ ગોડવિટે નવો ઈતિહાસ રચ્યો છે.
ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર અલાસ્કાથી ગોડવિટની આ મહાયાત્રાનો આરંભ 13 ઓકટોબર 2022થી થયો હતો. સતત 11 દિવસ અને એક કલાકના ઉડ્ડયન પછી આ પક્ષી ઓસ્ટ્રેલિયાના ટાસ્માનિયા પહોંચ્યું હતું. આ પ્રવાસમાં ગોડવિટે જરા પણ આરામ લીધો ન હતો કે ખોરાક પણ લીધો ન હતો. ગોડવિટે જે અંતર કાપ્યું હતું તે ન્યૂ યોર્કથી લંડન વચ્ચે બે વખત આખી અને તે પછી અડધી યાત્રા કરીએ તેની સમકક્ષ અથવા પૃથ્વીના સંપૂર્ણ પરિઘની ત્રીજા ભાગની યાત્રા કરીએ તેટલું હતું. ગોડવિટ પક્ષીના ઉડ્ડયન પર ધ્યાન રાખવા તેની પીઠ પર 5G સેટેલાઈટ ટેગ લગાડવામાં આવ્યું હતું.
8100 માઇલના પ્રવાસનો વિક્રમ તોડ્યો
અગાઉ 2021માં આ જ પ્રજાતિના અન્ય વયસ્ક ગોડવિટ પક્ષી 4BBRWએ 8,100 માઈલ (13,000 કિલોમીટર)નો રેકોર્ડ નોંધાવી અગાઉના વર્ષના તેના જ 12,000 કિલોમીટરના વિક્રમને તોડ્યો હતો. આ પહેલા અન્ય ગોડવિટે 2007માં 11,500 કિલોમીટરના સતત ઉડ્ડયનનો રેકોર્ડ નોંધાવ્યો હતો.બર્ડલાઈફ ટાસ્માનિયાના એરિક વોહ્લરે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડને જણાવ્યું હતું કે, ‘ગોડવિટ પક્ષીએ દિવસ અને રાતના સતત ઉડ્ડયનના કારણે તેનું અડધોઅડધ વજન ઘટી ગયું હતું. ટુંકી પાંખ ધરાવતા શીઅરવોટર્સ અથવા મ્યુટન પક્ષીઓ પાણી પર ઉતરી શકે છે અને ખોરાક મેળવી લેતાં હોય છે. જો ગોડવિટ પક્ષી પાણી પર ઉતરે તો મરી જાય છે. તેના પગના પંજા વચ્ચે કોઈ પડદી ન હોવાથી તે ફરી ઊંચે જઈ શકતું નથી. આથી, જો થાકના કારણે ગોડવિટ મહાસાગરની સપાટી પર પડે અથવા ખરાબ હવામાનના કારણે તેને પાણીમાં ઉતરવું પડે તો તેના જીવનનો અંત આવી જાય છે.’
જોકે, સામાન્ય રીતે ન્યૂ ઝીલેન્ડ તરફ સ્થળાંતર કરતા આ ગોડવિટ ‘234684’એ નાટ્યાત્મક રીતે 90 ડીગ્રીનો વળાંક લીધો હતો અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટાસ્માનિયાના એન્સન્સ બેના કાંઠા પર ઉતરાણ કર્યું હતું.