નવી દિલ્હીઃ ચીનની સૌથી જાયન્ટ ઈ-કોમર્સ ટેકનોલોજી કંપની અલિબાબાએ સરકારનો વિરોધ કરવાના પરિણામરૂપે એક જ વર્ષમાં ૩૪,૪૦૦ કરોડ ડોલર (૨૫.૫૨ લાખ કરોડ રૂપિયા)નું નુકસાન કર્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે વિશ્વની કોઈ પણ કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં આવેલી આ મોટામાં મોટી ખાધ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં અલિબાબાના શેર રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતા.
અલિબાબાના સ્થાપક માલિક જેક માએ ગયા વર્ષે ઓક્ટોબરમાં શાંઘાઈ શહેરમાં ચીનની સરકારની ધિરાણ અને બેન્કિંગ નીતિનો વિરોધ કરતા પ્રવચન આપ્યા હતા. ત્યાર પછી ચીન સરકારે એકાધિકાર વિરોધી (એન્ટિમોનોપોલી) મામલે તપાસ ચાલુ કરી હતી અને જેક મા અચાનક જાહેર મંચ ઉપરથી ગુમ થઈ ગયા હતા. જેક માની ભાગીદારી ધરાવતી ધિરાણ કંપની એએનટીનો વિશ્વનો સૌથી મોટો આઇપીઓ પણ અટકાવી દીધો હતો.