પેરિસ: ફ્રાન્સની દક્ષિણ-પશ્ચિમે ડોક્સ નામનું નાનકડું ગામ છે. વોલેન્ટિયર સિવાય અહીં ફક્ત ૧૦૫ લોકો રહે છે અને તે બધી જ અલ્ઝાઇમર પીડિત છે. આ માટે ગામને અલ્ઝાઇમર ગામ તરીકે ઓળખવામાં આવે છે. યાદશક્તિ ખતમ કરી નાખતા અલ્ઝાઇમર રોગથી પીડાતા હોવા છતાં આ ગામના લોકોના ચહેરા પર જરાય નિરાશા જોવા મળતી નથી તેનું કારણ એ છે કે સ્થાનિક તંત્ર અને કેટલાક બહારના લોકોએ મળીને ગામનો માહોલ જ એવો બનાવી નાંખ્યો છે કે અહીં વસતાં લોકોને દર્દી હોવાની અનુભૂતિ જ થતી નથી. અહીં અલ્ઝાઇમર પીડિતો માટે ખાસ ગ્રોસરી અને ફ્રૂટ શોપ છે, તો કાફેટેરિયા, લાઇબ્રેરી, મ્યુઝિક રૂમ પણ ઉપલબ્ધ છે. દર્દીઓની દેખરેખ માટે નર્સ તો છે, પરંતુ તેઓ યુનિફોર્મમાં નહીં, સામાન્ય વસ્ત્રોમાં જ જોવા મળે છે. આ બધું કરવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે દર્દી ખુદને હોસ્પિટલની જગ્યાએ મુક્ત વાતાવરણાં મહેસૂસ કરે. વારંવાર તેમને બીમારીની યાદ ન આવે.
ગામમાં રહેવા આવેલા પ્રથમ મહિલા મેડેલિન એલિસાલ્ડે (૮૨) કહે છે કે આખું ગામ મારા ઘર જેવું છે. અહીં અમારી સરસ રીતે સારસંભાળ લેવાય છે. અગાઉ મેડેલીન દીકરીના પરિવાર સાથે રહેતા હતા. મેડેલીનની દોહિત્રી ઓરોરે કહે છે કે અમારી સાથે રહેવા છતાં તેઓ અમને ભૂલી ગયા હતા. જોકે ખુશીની વાત એ છે કે તેમણે હવે આત્મનિર્ભર થઇને રહેવાનું શીખી લીધું છે.
આ ગામમાં ગ્રોસરી શોપ ચલાવતા વોલેન્ટિયર ક્રિસ્ટાઇન સુરેલે કહે છે અમારો સૌથી મોટો લાભ અલ્ઝાઇમર પીડિતોના ચહેરા પર મુસ્કાન જોવાનો છે. અલ્ઝાઇમર પીડિતના પરિવારજનો અને સરકાર સાથે મળીને આ ગામના નિભાવનો ખર્ચ ઉઠાવે છે. સરકાર દર વર્ષે અડધોઅડધ ખર્ચ આપે છે.