અવકાશમાં રચાયો ઇતિહાસઃ રિચાર્ડ બ્રેન્સને સ્પેસ ટ્રાવેલનો પાયો નાંખ્યો

Wednesday 14th July 2021 06:03 EDT
 
 

ન્યૂ મેક્સિકોઃ બ્રિટિશ ઉદ્યોગપિત રિચાર્ડ બ્રેન્સન અને તેમની ટીમે રવિવારે ન્યૂ મેક્સિકો સ્થિત વર્જિન ગેલેક્ટિકના ઓપરેશનલ બેઝથી અવકાશમાં ઉડ્ડયન ભરીને ઈતિહાસ રચી દીધો છે. ૭૦ વર્ષીય બ્રેન્સનના આ ઐતિહાસિક પ્રવાસમાં ભારતીય-અમેરિકન સિરિષા બાંદલા પણ સામેલ હતી. સિરિષા કલ્પના ચાવલા પછી અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી યુવતી છે. રિચાર્ડ બ્રેન્સન અને તેમની ટીમે વર્જિન ગેલેક્ટિક યુનિટી-૨૨ સ્પેસ ફ્લાઈટમાં લગભગ દોઢ ક્લાકનો અવકાશી પ્રવાસ ખેડી પૃથ્વી પર સફળ ઉતરાણ કર્યું હતું.
એમેઝોનના સ્થાપક અને વિશ્વના નંબર વન ધનિક જેફ બેઝોસ, વર્જિન એટલાન્ટિકના રિચર્ડ બ્રેન્સન તથા સ્પેસએક્સના એલન મસ્ક વચ્ચે અવકાશમાં જવા માટે રીતસરની સ્પર્ધા ચાલતી હતી. જેફ બેઝોસે ૨૦મી જુલાઈએ પોતાના ન્યૂ શેફર્ડ શિપમાં અવકાશમાં જવાની જાહેરાત કર્યા પછી અચાનક જ રિચર્ડ બ્રેન્સને ૧૧મી જુલાઈએ બે પાયલટ અને ચાર પ્રવાસી સાથે અવકાશમાં જવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જેફ બેઝોસ કરતાં નવ દિવસ વહેલા તેમના પોતાના સ્પેસશિપમાં અવકાશમાં જઈને બ્રેન્સન ખાનગી ફ્લાઈટમાં અવકાશમાં જનારા પ્રથમ ઉદ્યોગપતિ બન્યા છે.
વર્જિન એટલાન્ટિકની જાહેરાત મુજબ રવિવારે સ્થાનિક ભારતીય સમય મુજબ સાંજે ૬.૩૦ વાગ્યે ન્યૂ મેક્સિકોથી વર્જિન ગેલેક્ટિક યુનિટી-૨૨ સ્પેસ ફ્લાઈટ રવાના થવાની હતી. જોકે ખરાબ હવામાનના કારણે ૮.૦૦ વાગ્યે લોન્ચ થઈ હતી. આ ફ્લાઈટનું જીવંત પ્રસારણ કંપનીની યૂ-ટયૂબ અને ફેસબૂક ચેનલ પર પણ કરાયું હતું.
અવાજ કરતાં ત્રણ ગણી ઝડપે અવકાશ પ્રવાસ
વર્જિન ગેલેક્ટિક માટે આ અવકાશ સુધી જનારું ચોથું ઉડ્ડયન હતું. વર્જિન ગેલેક્ટિકનું વીએએસએસ યુનિટી સ્પેસ પ્લેન મધરશીપ સાથે લગભગ ૧૩ કિમી સુધી ઉપર આકાશમાં પહોંચ્યું હતું. વીએસએસ યુનિટીમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળવા પર્યાપ્ત ઝડપ ન હોવાથી તેને મધરસ્પેસશિપમાં અવકાશમાં લઈ જવાયું હતું. જ્યાંથી યુનિટી-૨૨એ અવાજ કરતાં ત્રણ ગણી ઝડપે એટલે કે પ્રતિ ક્લાક ૨,૩૦૦ માઈલની ઝડપે અવકાશમાં વધુ આગળનો પ્રવાસ ખેડયો હતો. અવકાશ પ્રવાસના અંતિમ છેડા પર બ્રેન્સન અને ભારતીય-અમેરિકન સિરિષા બાંદલા સહિત છ પ્રવાસીઓએ ઝીરો ગ્રેવિટીનો અનુભવ કર્યો હતો. આમ, યુનિટી-૨૨ પૃથ્વીથી કુલ ૮૩ કિમીની ઊંચાઈ પર ગયું હતું. બાદમાં સુપરસોનિક સ્પેસ પ્લેન યુનિટી-૨૨એ અમેરિકાના સ્પેસપોર્ટ ખાતે સફળ ઉતરાણ કર્યું હતું.
સ્પેસ એજમાં આપનું સ્વાગત છેઃ બ્રેન્સન
વિમાનમાંથી બહાર નિકળ્યા પછી ઉત્સાહિત રિચાર્ડ બ્રેન્સને પરિવારને ભેટી પડીને આ ઐતિહાસિક ક્ષણની ઊજવણી કરી હતી. બ્રેન્સને જણાવ્યું હતું કે, આ પ્રવાસ આજીવન યાદગાર સંભારણું બની રહેશે. આજનો પ્રવાસ ૧૭ વર્ષની સખત મહેનતનું પરિણામ છે. તમારું સ્પેસ યુગમાં સ્વાગત છે. આ પ્રવાસની સાથે જ સ્પેસ ટ્રાવેલના મંડાણ થયા છે. અમે બધા જ લોકો માટે અવકાશ પ્રવાસ વધુ સુલભ બને તેવા પ્રયાસો કરીશું. અમે સ્વપ્નદૃષ્ટાઓની નવી પેઢીને આજના અને આવતીકાલના અવકાશયાત્રીઓ બનાવવા માગીએ છીએ. આ સ્ટેજ પર ઊભા રહેલા બધા જ લોકોએ આજે અવર્ણનીય અનુભવનો આનંદ માણ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter