• પોર્ટુગલમાં વડા પ્રધાન પદ માટે ભારતવંશી આગળઃ નવા વડા પ્રધાનના ઉમેદવારો માટેની પ્રાથમિક ચૂંટણીમાં મૂળ ગોવાના એન્ટોનિઓ કોસ્ટા ઓપોઝિશન સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે વિજયી થયા છે. વર્ષ ૨૦૦૭થી કોસ્ટા લિસ્બનના લોકપ્રિય મેયર છે અને તેમની નિર્ભિક જીવનશૈલીને કારણે તેઓ ‘લિસ્બનના ગાંધી’ તરીકે ઓળખાય છે.
• પાકિસ્તાનનું પગલું અયોગ્યઃ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે જણાવ્યું કે ભારત સાથે વિદેશ સચિવ સ્તરની મંત્રણા પહેલાં પાકિસ્તાની હાઈ કમિશનરની કાશ્મીરના હુર્રિયત નેતાઓ સાથેની મુલાકાત કદાચ સંપૂર્ણ યોગ્ય ન હતી. આમ તો પાકિસ્તાની રાજદ્વારીઓ અને હુર્રિયત નેતાઓ વચ્ચે છેલ્લા ૩૦ વર્ષથી મુલાકાત થતી રહી છે. તેમાં કંઈ નવું ન હતું પરંતુ કાશ્મીર અંગે મહત્ત્વની ચર્ચા હજી શરૂ થવાની હતી તેથી આ મુદ્દે કદાચ આ સંપૂર્ણપણે યોગ્ય ન હતું.
• દીકરી માટે ૧૦૦ મિલિયન ડોલરની નોકરી ઠુકરાવીઃ આર્થિક બાબતોના નિષ્ણાત અલ-એરિયને ઈનવેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની પિમકોના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામા અંગે તેમણે કહ્યું હતું કે, ‘એક દિવસ મેં મારી દીકરીને બ્રશ ન કરવા બદલ ખૂબ જ ધમકાવી હતી અને તેના પર ઘણો ગુસ્સો આવ્યો હતો. થોડીવાર પછી તેણે મને એક યાદી પકડાવી દીધી હતી જેમાં ૨૨ કાર્યક્રમો હતા.’ આમ તેમણે ૧૦ વર્ષની દીકરીની સાથે રહેવા માટે ૧૦૦ મિલિયન ડોલરના પગારની નોકરી છોડી છે.
• આઇફોન-૬ ખામીયુક્ત હોવાની ફરિયાદઃ એપલ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા મોબાઈલ ફોન આઈફોન-૬ વળી જવાની અને તેમ જ સોફ્ટવેરમાં ખામી હોવાના અહેવાલ આવતાં જ ગત સપ્તાહે શેરબજારમાં એપલના શેર પર તેની અસર જોવા મળી હતી. એપલના શેરમાં મોટા પાયે વેચવાલીના પગલે નાસ્ડેકમાં એપલના શેર ૩.૮૮ ટકા તૂટીને ૯૭.૮૭ ડોલર પર બંધ થયા હતા. શેરોના ભાવમાં થયેલા આ ઘટાડાને કારણે એપલના રોકાણકારોની સંપત્તિનું મૂલ્ય ૨૦ કરોડ ડોલર ધોવાઈ ગયું હતું.