ખાર્ટુમઃ સુદાનના પાટનગર ખાર્ટુમમાં વિસ્ફોટ કરી વડા પ્રધાનની હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું સરકારી માધ્યમોએ કહ્યું હતું. આ સમાચારને અબ્દુલ્લા હમદોકના પરિવારે પણ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે હમકોદના કાફલાને જ નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ બચી ગયા હતા. આ હુમલાની કોઈ જૂથે જવાબદારી લીધી નહોતી.
લોકશાહી તરફી આંદોલન પછી સેનાએ સરમુખત્યાર પ્રમુખ ઉપર અલ બશીરને એપ્રિલમાં સત્તાસ્થાનેથી દૂર કર્યા પછી તેમની જગ્યાએ નાગરિક સરકાર બનાવવામાં આવી હતી અને હમદોકને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
સુદાનમાં ખરા શાસકો તો સેનાના અધિકારીઓ જ રહે છે અને નાગરિકોના નેતૃત્વ હેઠળની સરકારને સત્તા આપવામાં તેઓ ખચકાટ અનુભવે છે. હમદોકે કહ્યું હતું કે યુદ્ધના ગુનેગારો અને વર્ષ ૨૦૦૦માં દારફૂરની સામૂહિક હત્યાના જવાબદારોને તેમની સરકાર આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતને સોંપવામાં સહકાર આપશે.