નવી દિલ્હીઃ યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગને કારણે યૂક્રેનમાં વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીય નાગરિકો ફસાઈ ગયાં છે, જેમને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા સક્રિય પગલાં લેવાઈ રહ્યાં છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત સ્વામી બ્રહ્મવિહારીદાસજી સાથે ફોન પર ચર્ચા કરીને યૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મદદ કરવા અપીલ કરી હતી. જેના પગલે તરત જ બીએપીએસ યુદ્ધગ્રસ્ત ભારતીયોની વ્હારે પહોંચ્યું છે.
સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે લાવવા કમર કસી છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ છે. ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત અત્યાર સુધીમાં 8 ફ્લાઈટ્સથી કુલ 1,836 ભારતીયોને દેશ પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકારે સમગ્ર આયોજનને યોજનાબદ્ધ રીતે પાર પાડવા માટે ચાર કેન્દ્રીય પ્રધાનો હરદીપ પુરી, વી. કે. સિંહ, કિરેન રિજિજુ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને યૂક્રેન સાથે જોડાયેલા સરહદી દેશોમાં મોકલ્યા છે.
વડા પ્રધાને તેમને ફોન કરી સમગ્ર યુરોપમાં વસતાં સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનો તથા અનુયાયીઓને એકત્ર કરી પોલેન્ડ, રોમાનિયા, હંગેરી તથા સ્લોવેકિયાની સરહદે ફસાયેલા આપણા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે રહેવા, જમવાની વ્યવસ્થા કરવા અપીલ કરી હતી. જેને પગલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરોને આ કાર્યમાં જોડાવામાં આવ્યા છે.
સ્વામીજીએ જણાવ્યું હતું અમે બીએપીએસના માધ્યમથી શક્ય તમામ મદદ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યાં છીએ. પોલેન્ડમાં વસતા અનુયાયીઓ મોબાઈલ કિચનના માધ્યમથી 2000-3000 લોકોને જમવાનું ઉપલબ્ધ બનાવવાની વ્યવસ્થા કરી રહ્યાં છીએ. આ ઉપરાંત જ્યાં કોઈની પાસે વેરહાઉસ હોય ત્યાં આપણાં નાગરિકોને રહેવાની વ્યવસ્થા કરી રહ્યાં છીએ.