અસુરો પર દૈવી વિજયઃ જો બિડેનની ભારતીયોને નવરાત્રીની શુભેચ્છા

Friday 23rd October 2020 15:58 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને ગણતરીનો સમય જ બાકી છે તેવા સમયે પ્રમુખપદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને અમેરિકામાં બીજા સૌથી મોટા ઈમિગ્રન્ટ્સ જૂથ એવા ભારતીયોને આકર્ષવા પહેલા નોરતે ૧૭મી ઓક્ટોબરે શુભેચ્છા પાઠવી હતી. જોકે, નવરાત્રીની શુભેચ્છા સાથે તેમણે ટ્રમ્પ પર પણ નિશાન તાક્યું હતું. બિડેને ટ્રમ્પ પર નિશાન સાધીને કહ્યું કે, આશા છે કે ફરી એક વખત દુષ્ટો પર દૈવી વિજય પ્રાપ્ત થાય. જો બિડેને ટ્વિટ કરીને કહ્યું કે, હિન્દુઓનો તહેવાર નવરાત્રી શરૂ થઈ ગયો છે.
જિલ અને હું અમેરિકા અને સમગ્ર વિશ્વમાં નવરાત્રીની ઊજવણી કરનારા બધા જ લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ. અસુરો પર ફરી એક વખત દૈવી વિજય થાય અને એક નવી શરૂઆત કરીએ તથા બધા માટે તકો ઊભી થાય. અમેરિકામાં ભારતીય-અમેરિકનો બીજું સૌથી મોટુ ઈમિગ્રન્ટ્સ જૂથ છે. અમેરિકામાં ૩જી નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોના એક ટકાથી ઓછા રજિસ્ટર્ડ મતદારો છે. જોકે, ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષો ભારતીય-અમેરિકનોને આકર્ષવા પ્રયાસો કરી રહ્યા છે.
ભારતીય કોમ્યુનિટીને આકર્ષવા બિડેને ભારતીય-અમેરિકન સેનેટર કમલા હેરિસની ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદગી કરતાં અમેરિકન ચૂંટણીમાં ભારતીય-અમેરિકન સમાજનું મહત્ત્વ ઉજાગર થયું છે. કમલા હેરિસ રિપબ્લિક કે ડેમોક્રેટ જેવા મોટા પક્ષમાંથી ઉપપ્રમુખપદની ઉમેદવારી નોંધાવનાર સૌપ્રથમ અશ્વેત મહિલા અને એશિયન અમેરિકન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter