લંડન: એન્ટાર્કટિકા, અલાસ્કા અને નોર્વે વિશે તો તમે સાંભળ્યું જ હશે કે આ વિસ્તારોમાં છ મહિના સુધી રાત નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે બ્રહ્માંડમાં એક જગ્યા એવી પણ છે જ્યાં 24 કલાકમાં 16 વાર સૂર્ય ઉગે છે. એટલે કે દર 90 મિનિટે દિવસ અને રાત હોય છે?
તમને ભલે પહેલી નજરે માન્યામાં ના આવે, પણ દર 90 મિનિટે પૃથ્વીથી દૂર આકાશમાં રાત-દિવસની આ ક્રિયા થાય છે, આ સ્થાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરીકે ઓળખાય છે. આઇએસએસ તરીકે જાણીતા અવકાશમથક પર રહેતા અવકાશયાત્રીઓ દર 90 મિનિટે સૂર્યોદય અને સૂર્યાસ્તના સાક્ષી બને છે. આવું કઇ રીતે બને છે તે સમજવા જેવું છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની આસપાસ ફરે છે, અને તેની ઝડપ હોય છે 27,580 કિમી પ્રતિ કલાકથી વધુ. આ ગતિને કારણે તે પૃથ્વીની એક પરિક્રમા માત્ર 90 મિનિટમાં પૂર્ણ કરે છે. તેથી જ અહીં દિવસ અને રાત આટલી ઝડપથી થાય છે.
ખાસ વાત એ છે કે જ્યારે સૂર્યપ્રકાશ સ્પેસ સ્ટેશન પર પડે છે, ત્યારે તેનું તાપમાન 121 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો આટલા તાપમાનમાં તો કોઇ પણ રાખ થઇ જાય. અને જ્યારે તે પૃથ્વીની પાછળ જાય છે, ત્યારે અહીં તાપમાન માઇનસ 157 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. ‘નાસા’ના રિપોર્ટ અનુસાર, તાપમાનમાં આટલા મોટા પ્રમાણમાં ખૂબ જ ઝડપથી અચાનક વધારો અને ઘટાડો થતો હોવા છતાં અવકાશયાત્રીઓને અસર કરતું નથી. સ્પેસ સ્ટેશનની બનાવટમાં ઉપયોગમાં લેવાયેલા ખાસ પ્રકારના મટિરિયલના લીધે સ્પેસ સ્ટેશનની અંદર તાપમાનની વધુ અસર થતી નથી. સાથે સાથે જ અવકાશયાત્રીઓના સ્પેસ સૂટ્સ એવી રીતે ડિઝાઇન કરાયા છે કે જેથી તેઓ તાપમાનની તીવ્ર વધઘટને સહન કરી શકે છે.