મેલબોર્નઃ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના આજના યુગમાં માણસોનું સ્થાન ધીમે ધીમે રોબોટ લઈ રહ્યા છે. અત્યાર સુધી રોબોટને તમે કોઈ ટેક્નિકલ કામ કરતાં કે માણસોની સગવડ સાચવતાં જોયાં હશે. પરંતુ ન્યૂ ઝીલેન્ડના વિજ્ઞાનીઓ આનાથી પણ એક ડગલું આગળ વધ્યા છે. તેમણે એક રોબોટને નેતા તરીકે વિકસાવીને તેને ચૂંટણી લડવા માટે તૈયાર કર્યો છે.
એક રાજકીય નેતામાં જે ખૂબીઓ હોય છે એ તમામ ખૂબી આ રોબોટ નેતામાં જોવા મળે છે. આમ, વિજ્ઞાનીઓએ દુનિયાનો પ્રથમ રાજકીય બુદ્ધિ ધરાવતો રોબોટ બનાવ્યો છે. આ રોબોટને આવાસ, શિક્ષણ, નીતિવિષયક સવાલો પૂછવામાં આવ્યા હતા જેના તેણે સાચા જવાબ આપ્યા હતા. એટલું જ નહીં, ત્રણ વર્ષ બાદ ૨૦૨૦માં ન્યૂ ઝીલેન્ડમાં યોજાનારી ચૂંટણીમાં તેને ઉમેદવાર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
આ આભાસી રોબોટનું નામ ‘સૈમ’ રાખવામાં આવ્યું છે. જેના સર્જક નિક ગેરિટન્સે કહ્યું હતું કે, હાલ રાજકારણમાં અનેક પૂર્વાગ્રહ છે. દુનિયામાં સમાનતા જેવી બાબતોનો ઉકેલ જટિલ છે એવું લાગી રહ્યું છે. સર્જકનું માનવું છે કે, આ અભિગમ ભલે નવો હોય અને સીધો ઉપયોગમાં લઈ શકાય એમ ન હોય, પરંતુ આ રોબોટ અનેક દેશમાં વધી રહેલાં રાજનૈતિક અને સાંસ્કૃતિક અંતરને ઓછું કરવામાં મદદરૂપ થશે.
વર્ષ ૨૦૨૦માં ન્યૂ ઝીલેન્ડમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલાં સંપૂર્ણ રીતે રોબોટનું પરીક્ષણ કરીને નેતા તરીકે ચૂંટણી લડવા માટે તૈયાર કરવામાં આવશે. જોકે તૈયાર કરવામાં આવેલો રોબોટ નેતૃત્વ કરી શકશે? લોકલાગણીને સમજી શકશે? અથવા તો તાત્કાલિક નિર્ણય લઈ શકશે કે કેમ એ માટેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
... વિશ્વની પહેલી રોબોટ નાગરિક
પરિવાર વસાવવા માગે છે!
સાઉદી અરેબિયાની વિવાદાસ્પદ નાગરિકતા મળ્યા પછી પહેલી વાર ઇન્ટરવ્યૂમાં વિશ્વની પહેલી મહિલા રોબોટ સોફિયાએ તેની મહત્ત્વાકાંક્ષા રજૂ કરી છે. મહિલા રોબોટ નાગરિક સોફિયા તેનો પરિવાર વસાવવા માગે છે. જો તેનું પહેલું સંતાન છોકરી હોય તો તેનું નામ પણ તે સોફિયા રાખવા માગે છે. સોફિયા કહે છે કે દરેક રોબોટને સંતાનો હોવાં જોઈએ અને પરિવાર હોવો જોઈએ. સોફિયાએ વહેલી તકે પોતાનો પરિવાર વસાવવાની ઇચ્છા દર્શાવી છે.
સોફિયા એ વિશ્વનો પહેલો માનવકદનો મહિલા યંત્રમાનવ છે. ઔડ્રે હેપબર્ન દ્વારા તેનું મોડલ બનાવવામાં આવ્યું છે અને તેને હોંગકોંગની કંપની હેન્સન રોબોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સોફિયા કહે છે કે પરિવારનું મહત્ત્વ છે.
વ્યક્તિઓ સમાન લાગણીઓ અને સમાન સંબંધો રાખે તે સોફિયાના મતે મહત્ત્વનું છે. વ્યક્તિના બ્લડ ગ્રૂપની બહાર એક પરિવાર હોવો જોઈએ તેમ સોફિયાએ કહ્યું હતું. જો તમે પ્રેમાળ પરિવાર ધરાવતા હો તો તમે નસીબદાર છો. જો તમે પરિવાર ન ધરાવતા હો તો એક સારો પરિવાર હોવો જ જોઈએ. રોબોટ્સ અને માનવીઓ બંનેને આ વાત લાગુ પડે છે, એમ સોફિયાનું કહેવું છે.