નવી દિલ્હીઃ સાઉથ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાને નાથવા માટે ૧૦ લાખ બોલિવરની નવી કરન્સી નોટ રજૂ કરી છે. આની પહેલાં દુનિયાના કોઇ પણ દેશે આટલી મોટી કરન્સી નોટ છાપી નથી.
જોકે આટલી મોટી કરન્સી હોવા છતાં વેનેઝુએલાના હાલના ફુગાવા પ્રમાણે ૧૦ લાખ બોલિવરની કિંમત અડધા અમેરિકન ડોલર એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે લગભગ ૩૬ રૂપિયા હશે. એટલામાં તો ભારતમાં અડધો લીટર પેટ્રોલ પણ આવતું નથી. એક સમયે અખૂટ તેલ ભંડાર જોનાર વેનેઝુએલામાં લોકો હવે ભૂખે મરી રહ્યા છે. કરન્સીમાં અવમૂલ્યનની સ્થિતિ એ છે કે લોકો બેગ અને કોથળા ભરીને નોટો લઇ જાય છે અને હાથમાં લટકાવેલી પોલીથીનમાં ઘર માટે સામાન ખરીદીને લાવે છે.
જોકે પાછલા ઘણા સમયથી અટકળો ચાલતી હતી કે વેનેઝુએલા ૧૦ લાખની નવી ચલણી નોટ બહાર પાડશે. પાછલા વર્ષે એક રિપોર્ટમાં જ કહેવાયું હતું કે સરકાર ટૂંક સમયમમાં ૧૦ લાખ બોલિવરની નોટ બહાર પાડી રહી છે.
આ નોટ માટે ઇટલીથી ૭૧ ટન સિક્યોરિટી પેપરની આયાત કરવામાં આવી છે. ઇટલીની આ કંપની વિશ્વના ઘણા દેશોની ચલણી નોટ્સ માટે પેપરની નિકાસ કરે છે. કસ્ટમ્સના રિપોર્ટમાં સિક્યોરિટી પેપર મંગાવાયા હોવાનો ખુલાસો થયો છે. વેનઝુએલાની રિઝર્વ બેન્ક અનુસાર અર્થવ્યવસ્થાને જોઈને આ નોટ બહાર પાડવી પડી હતી. આગામી સપ્તાહે બે લાખ બોલિવર અને પાંચ લાખ બોલિવરની નવી ચલણી નોટ બહાર પડાશે. હાલમાં વેનેઝુએલામાં ૧૦ હજાર, ૨૦ હજાર અને ૫૦ હજાર બોલિવરની નોટ ચલણમાં છે. ભારતના એક રૂપિયા સામે ૨૫૫૮૪.૬૬ બોલિવરનો વિનિમય દર છે.