આ અનોખા ચશ્માં તમારો ચહેરો જોઇને જણાવી દે છે નામ-સરનામું

Tuesday 12th November 2024 11:02 EST
 
 

વોશિંગ્ટનઃ વિશ્વખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક નવતર ટેક્નોલોજી વિકસાવી છે. વાત એમ છે કે 21 વર્ષીય એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એન્ડ્રુ નુયેન અને કેન અર્મેફિયોએ સ્માર્ટ ચશ્માંનો પ્રયોગ કરીને આઇ-એક્સ રે નામની એક ખાસ ગ્લાસ ટેક્નોલોજી બનાવી છે. આ અનોખા ચશ્માં પહેરીને વ્યક્તિ તેની સામે ઊભેલી અજાણી વ્યક્તિનું નામ-સરનામું જેવી માહિતી વગરપૂછ્યે જાણી શકે છે. આ ટેક્નોલોજી વિકસાવવા માટે બંનેએ મેટા સ્માર્ટ ચશ્માંનો ઉપયોગ કર્યો છે જે બિલ્ટ-ઇન કેમેરા અને પીમઆઈસ નામના ફેસ રેકગ્નિશન સર્ચ એન્જિનથી સજ્જ છે. આ સાધનો દ્વારા આઈ-એક્સ-રે વ્યક્તિનો ચહેરો ઓળખી શકે છે અને સ્ક્રીન પર તેનું સ્થાન, નંબર, નામ- સરનામું જેવી માહિતી બતાવી શકે છે. નિષ્ણાતોના મતે આ ટેક્નોલોજી ઘણી મદદરૂપ સાબિત થશે.
આ ટેક્નિક કઇ રીતે કામ કરે છે?
વપરાશકર્તા પહેલાં મેટાનાં સ્માર્ટ ચશ્માં પહેરે છે અને તેની આસપાસ દેખાતી વસ્તુઓનું તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઇવ સ્ટ્રીમ કરે છે. આ લાઇવ સ્ટ્રીમ કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા ચહેરાને ઓળખવાની પ્રક્રિયા છે. પછી, આ અનોખી સિસ્ટમ સોશિયલ મીડિયા અથવા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તસવીરો અને માહિતીના આધારે વપરાશકર્તાના ચશ્મામાં દેખાતી વ્યક્તિનો ડેટા બતાવે છે. આ માટે તે ફેશિયલ રેકગ્નિશન ટૂલ્સ પિમઆઈઝ અને ફેસચેક આઈડી જેવી સાઇટ્સની મદદ લે છે. ચહેરો ઓળખીને તરત વ્યક્તિનું નામ-સરનામું-વ્યવસાય જેવી બધી માહિતી આપી દે છે.
માત્ર દોઢ મિનિટનો સમય
નુયેન આ ટેક્નોલોજી વિશે કહે છે કે અમારી પાસે આ વસ્તુઓ તો પહેલાંથી જ હતી, બસ અમારે તેમને નવી રીતે રજૂ કરવાની હતી. આ ટેક્નિક કામ કરતાં માત્ર એકથી દોઢ મિનિટ લે છે. તેને કોડ કરવામાં અમને માત્ર ચાર દિવસ લાગ્યા હતા. આ બન્ને વિદ્યાર્થીઓ કેટલાક અજાણ્યા લોકો સાથે પણ આ ટેક્નિકનો ઉપયોગ કરી ચૂક્યા છે. મેટા ગ્લાસીસ અને પિમઆઈસના ફ્યૂઝન દ્વારા વિકાસાવાયેલી આ ટેક્નોલોજીએ લોકોમાં ચર્ચા છેડી છે. કેટલાક લોકોના મતે આ ટેક્નોલોજી ગુનેગારોને ઓળખવાનું સરળ બનાવશે, જ્યારે અન્ય લોકો તેને પ્રાઇવસીના ઉલ્લંઘન તરીકે જોઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter