સહરસા: શંકર ખાં ખેડૂત છે. હેમચંદ્ર ખાં આરોગ્ય વિભાગના નિવૃત્ત અધિકારી છે. ભોલાનાથ ખાં નિવૃત્ત શિક્ષક છે. અરવિંદ ખાં બોકારોમાં બિઝનેસ કરતા હતા, હવે ગામમાં રહે છે. તમે આ નામ સાંભળીને જરૂર ચોંકી ગયા હશો. જ્યારે આ લોકો ગામમાંથી બીજા શહેરોમાં જઇ વસે છે, અને લોકો તેમના નામ સાંભળે છે ત્યારે તેઓ પણ તમારી જેમ જ ચોંકે છે.
બિહારના સહરસા જિલ્લાની નગર પંચાયત બનગાંવના કેટલાય ગામોમાં વસતા 15થી 20 હજાર હિન્દુ પોતાના નામ સાથે ખાં લગાવે છે. અહીં મિશ્ર, ઝા, ચૌધરી ઉપનામ લગાવનારા પણ છે. અહીંના લોકો માને છે કે તેમના પૂર્વજોએ મુઘલકાળમાં પોતાના નામની સાથે ખાં ઉપનામ લગાવવાનુ શરૂ કર્યું હતું, અને તેઓ પણ આ પરંપરા આગળ ધપાવી રહ્યા છે.
તહેવારો હિન્દુ, મુખ્ય કર્તાહર્તા મુસ્લિમ
હિન્દુ હોવા છતાં નામ પાછળ ખાં લગાવવા માટે ઘણી વાર્તાઓ પ્રચલિત છે, પરંતુ યોગ્ય કારણ કોઈ જાણતું નથી. ઘણા પુસ્તકોમાં પણ હિન્દુઓના ખાં ઉપનામ હોવાનો ઉલ્લેખ છે, પરંતુ તેનું કારણ સ્પષ્ટ નથી. અહીં પેઢીઓથી હોળી-દિવાળી, જન્માષ્ટમી જેવા હિન્દુ તહેવારોમાં મુખ્ય કર્તાહર્તા મુસ્લિમ હોય છે.
133 વર્ષથી દર રવિવારે ગામમાં ધર્મસભા
ગામમાં 133 વર્ષથી દર રવિવારે ધર્મ સભા આયોજિત થાય છે. જેમાં દરેક ધર્મોના લોકો ભાગ લે છે. તેની શરૂઆત મિથિલાંચલ સંત કવિ લક્ષ્મીનાથ ગોસ્વામીએ કરી હતી.
બનગાંવમાં અલગ-અલગ ગોત્રના લોકો રહે છે. એટલા માટે દીકરા- દીકરીઓના લગ્ન ગામમાં જ કરે છે. ભગવતી સ્થળ ઉપર હોળી થાય છે. એટલું જ નહીં દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ બનાવવા માટે વપરાયેલી માટી માત્ર મુસ્લિમ પરિવારના લોકો જ લાવે છે.