મોસ્કોઃ દૂઝણી ગાયોને સુમધુર સંગીત સંભળાવવામાં આવે તો તે વધુ દૂધ આપતી હોવાનું એક કરતાં વધુ પ્રયોગોમાં પુરવાર થયું છે, પરંતુ રશિયાના એક ડેરી ફાર્મ માલિક તો આનાથી પણ એક ડગલું આગળ વધ્યા છે. વધુ દૂધ આપે તે માટે તેમણે ગાયોને વીઆર (વર્ચ્યુઅલ રિયલિટી) હેડસેટ પહેરાવવાનું શરૂ કર્યું છે.
આ પ્રયોગશીલ પશુપાલકનું કહેવું છે કે ગાયો ખુશમિજાજ અને હરિયાળા માહોલ વચ્ચે રહે તો તે વધુ દૂધ આપે છે. આજના જમાનામાં ઔદ્યોગિકીકરણના પગલે હરિયાળા ચરિયાણ ઘટી રહ્યા છે ત્યારે ગાયોને કુદરતી વાતાવરણમાં હરવા-ફરવા-ચરવા મળે એવું વાતાવરણ રહ્યું જ નથી. આ સંજોગોમાં ગાયોને કૃત્રિમ રીતે કુદરતી વાતાવરણ પૂરું પાડવાનો કીમિયો અજમાવાયો છે. મોસ્કો શહેરના સીમાડે આવેલા રુસમોકોલો ડેરી ફાર્મમાં ગાયોને દરરોજ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરાવાય છે.
ડેરી ફાર્મના માલિકનું કહેવું છે કે આ હેડસેટ થકી ગાયોને હરિયાળીનાં દૃશ્યો દેખાડવામાં આવે છે. એની સાથે સાથે ફાર્મમાં સુમધુર સંગીત રેલાતું રહે છે જેને કારણે ગાયો ફાર્મની વચ્ચે હોવા છતાં રિલેક્સ્ડ અને ખુશનુમા માહોલ અનુભવે છે. આ ડેરી ફાર્મના માલિકનો દાવો છે કે આ હેડસેટ વાપરવાનું શરૂ કર્યા પછી ગાયોની ઉત્પાદકતા પણ વધી ગઈ છે.
તેઓ કહે છે કે દરેક ગાયને હેડસેટ પહેરાવતાં પહેલાં તેની આંખોનું વિઝન ચેક કરીને એ મુજબ વીડિયોની બ્રાઇટનેસ એડજસ્ટ કરવામાં આવે છે. આ ડેરી ફાર્મ માલિકનો પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો હોવાથી હવે મોસ્કોના બીજા ફાર્મવાળાઓ પણ એનું અનુકરણ કરવાના પંથે આગળ વધી રહ્યા છે. ડેરી ફાર્મમાં શાસ્ત્રીય સંગીત વાગતું રહે એવી વ્યવસ્થા ગોઠવેલી હોય એવા ખેડૂતોની સંખ્યા તો રશિયામાં અધધધ છે.