બૈજિંગઃ ચા એટલે વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું પીણું. ભારતમાં જ નહીં, અનેક દેશના લોકો ચા વગર પોતાના દિવસની શરૂઆત અંગે વિચારતા પણ નથી. વિશ્વમાં વિધવિધ પ્રકારના સ્વાદ-સુગંધની ચા ઉપલબ્ધ છે, અને તેની વિશેષતા અનુસાર આગવા મોલ અંકાય છે. આમાંથી અમુક પ્રકારની ચાની કિંમત તો અધધધ છે.
જેમ કે, ચીનનાં ફુજીયાન પ્રાંતમાં આવેલા વુઇસનમાં મળતી એક ખાસ પ્રકારની ચાનું નામ છે ‘ડા હોન્ગ પાઓ ટી’. એક અહેવાલ અનુસાર ‘ડા હોન્ગ પાઓ ટી’ પીવાથી વ્યક્તિ ઘણી મોટી બીમારીથી પણ મુક્ત થઈ શકે છે, પણ આ ચાની કિંમત કેટલી છે? સોના કરતાં પણ ૩૦ ગણી વધુ! આ ચાની કિંમત એક ગ્રામના ૧૪૦૦ ડોલર છે. અને જો એક કિલોનો ભાવ રૂપિયામાં આંકો તો આંકડો ૧૦ કરોડ ૫૭ લાખ રૂપિયા થાય. સાદા શબ્દોમાં સરખામણી કરવી હોય તો કહી શકાય કે આટલી કિંમતમાં એક રોલ્સ રોયસ આવી જાય, અને છતાંય થોડાક નાણાં બચે. સ્વાસ્થ્ય સંબંધિત વિશિષ્ટ ગુણકારી લાભો માટે જાણીતી આ ચાની ખેતી વુઇ પર્વતમાળામાં થાય છે અને તેની વાવણીથી માંડીને પેકિંગ સુધી ખાસ કાળજી લેવામાં આવે છે.
‘પાંડા ડંગ ટી’
‘પાંડા ડંગ ટી’ની એક કિલોગ્રામની કિંમત ૫.૭ લાખ રૂપિયા હોવાને લીધે વિશ્વની સૌથી મોંઘી ચામાં તેનું નામ સામેલ છે. આ ચાને ઉગાડવા માટે જે ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પાંડાની વિષ્ટાનો ઉપયોગ કરવામાં આવે છે. પાંડા ફક્ત વાંસ ખાય છે અને તેમાંથી તેનાં શરીરને ૩૦ ટકા ન્યુટ્રીશન મળે છે. આ ઉચ્ચ કક્ષાનું ન્યુટ્રીશન પાંડાની વિષ્ટામાં પણ હોય છે. આ ન્યુટ્રીશન જ ચાને અવ્વલ બનાવે છે.
‘તૈગુઆનઈન ટી’
બૌદ્ધ ગુરુ તૈગુઆનઇનનાં નામ પરથી રાખવામાં આવેલ ‘તૈગુઆનઈન ટી’ પણ આજના સમયે વિશ્વની સૌથી મોંઘી ચાના લિસ્ટમાં સામેલ છે. બ્લેક અને ગ્રીન ટીનાં મિશ્રણથી બનતી આ ચાનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે. આ ચાને ઉકાળવાથી તેનો રંગ પણ બદલાઇ જાય છે. તૈગુઆનઇન ચાની કિંમત ૨.૩૦ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
‘ગોલ્ડન ટીપ’
ભારતનાં આસામમાં મૈઝાન ટી એસ્ટેટની ગોલ્ડન ટીપ ચાનો ગયા વર્ષે ૭૦,૫૦૧ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે સોદો પડ્યો હતો. વિશ્વની સૌથી જૂની ચા કંપની આસામ કંપની ઈન્ડિયા લિમિટેડ દ્વારા સિઝનની સૌથી સારી ગુણવત્તાવાળી ચાને ૩૧ જુલાઇએ એક હરાજી સેન્ટરથી ઓનલાઇન વેચી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ કંપની દ્વારા શ્રેષ્ઠ ગુણવત્તાની ચાની હરાજી કરવામાં આવે છે, અને દર વખતે તેના આવા જ ઊંચી કિંમત ઉપજે છે.