જયપુરઃ જૈશના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરતા યુએનના નિર્ણય પર વડા પ્રધાન મોદીએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. જયપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડા પ્રધાને આ વાતને એક મોટી સફળતા ગણાવી હતી. સાથોસાથ તેમણે આ પ્રસ્તાવને સમર્થન આપનારા તમામ દેશોનો ભારતની જનતા વતી આભાર માન્યો હતો.
મોદીએ કહ્યું કે આ તો હજુ શરૂઆત છે, આગળ આગળ જુઓ શું થાય છે. મોદીએ કહ્યું કે આતંકવાદની સામે ઘણા લાંબા સમયથી ભારત જે પ્રયાસ કરી રહ્યો છે એ તેની સફળતા છે. આ દેશ માટે ગૌરવની વાત છે. ભારત ઘણા લાંબા સમયથી આ દિશામાં પ્રયાસ કરી રહ્યો છે તેને પરિણામે આજે જે કંઈ થયું તે સંતોષનો વિષય છે. યુનાઇટેડ નેશન્સમાં જે કંઈ પણ થયું તેની પર કહી શકાય છે કે મોડે મોડે પણ સારું થયું છે. આ નવું ભારત છે જ્યાં ૧૩૦ કરોડ લોકોની ગર્જના વિશ્વમાં ગૂંજી રહી છે. ભારતના અવાજની કોઈ ઉપેક્ષા ન કરી શકે. આ તો હજુ શરૂઆત છે, આગળ આગળ જુઓ શું થાય છે. જ્યારથી દેશમાં ભાજપની સરકાર બની છે ત્યારથી પાકિસ્તાનને દરરોજ રાજદ્વારી ક્ષેત્રમાં હાર આપવાનું કામ મોદી સરકાર કરી રહી છે. કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે એક સમયે દેશમાં એવી સરકાર હતી જેમાં વડા પ્રધાનનો અવાજ પણ કોઈ સાંભળતું નહોતું. આજે દેશે જોયું છે કે યુએનમાં શું થયું છે.