આ દાદીમા ૧૦૫ વર્ષની ઉંમરે પણ ડ્રાઇવિંગ લાયન્સ રિન્યુ કરાવે છે

Sunday 31st May 2020 06:40 EDT
 
 

ન્યૂ યોર્કઃ માણસ જો મનથી હારે નહીં તો ૧૦૦ વર્ષ પછીય તંદુરસ્ત રહી શકે છે એ અમેરિકાના ૧૦૫ વર્ષના મહિલા લૂઇ એસ્તેસ પોલ્શને પૂરવાર કર્યું છે. આ સન્નારી ઉંમરની સદી વટાવી ગયા પછી પણ પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી રહ્યાં છે. ઇલિનોઇમાં લૂઇ એસ્તેસનું ચોથા ક્રમનું સૌથી જૂનું લાયસન્સ છે. સ્થાનિક કાયદા મુજબ ૮૭ વર્ષની ઉંમર પછી ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવું હોય તો દર વર્ષે ડ્રાઇવિંગ ટેસ્ટ અને આંખોની તપાસ કરાવવી પડે છે. આમાં જો કોઇ ખામી જણાય તો લાયસન્સ રિન્યુ કરાતું નથી, પરંતુ આ દાદીમા દર વર્ષે લાયસન્સ ટેસ્ટ સરળતાથી પાસ કરી રહ્યાં છે.
જોકે અત્યારે તેઓ વાહન લઇને બહાર તો જતા નથી, પરંતુ તેમની ઉંમરના મિત્રો સાથે વ્યસ્ત જરૂર રહે છે. પોલ્શનનો જન્મ ૧૯૧૪માં ફેરફિલ્ડ લોવામાં થયો હતો. જયારે તે ત્રણ વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થતાં તેમની મોટી બહેન સાથે કાકાને ઘરે ઉછર્યાં હતા. ૧૯૩૩માં કિકવુડ હાઇસ્કૂલમાં ગ્રેજયૂએટ થયા પછી ૧૯૩૬માં વોરેન કાઉન્ટીના ખેડૂત અર્નેસ્ટ એસ્ટેટ સાથે લગ્ન થયા. બે પુત્રીઓની માતા બન્યા પછી ૧૯૬૨માં મોનમાઉથ ખાતે ૧૦ હજાર ડોલરમાં પોતાનું ઘર લીધું હતું. ૫૮ વર્ષથી ઘરમાં એકલા રહે છે. ૨૦૦૪માં તેઓ ૯૦ વર્ષના થયા ત્યારે કેમ્બ્રિજમાં રહેતી તેમની પુત્રી બેટ્ટી ગોફે પાર્ટી યોજી હતી.
૧૦૫ વર્ષના આ દાદીમાને કોઇ ઉંમર પુછે તો તેઓ ૭૫ વર્ષ કહીને રમૂજ કરે છે, પરંતુ તેમના અંગત જીવનમાં અનેક ચડાવઉતાર આવ્યા છે. ૧૯૭૯માં પતિ અર્નેસ્ટ એસ્ટેટનું મૃત્યુ થયું હતું. ફરી ઘરસંસાર વસાવ્યો, પણ ૧૯૯૨માં બીજા પતિનું પણ અવસાન થયું. ૧૯૯૪માં તેમની પુત્રી પેટ્ટીકા લી ગ્રાન્ડનું કેન્સરની બીમારીથી મૃત્યુ થયું. ૨૦૦૮માં તેમના પ્રપૌત્ર માર્ક ગોફનું ૩૭ વર્ષની ઉંમરે મોટર સાયકલ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લૂઇ સાથે અભ્યાસ કરી ચૂકેલાં મિત્રો, તેમની તમામ બહેનો સહિતના સમકાલીન સગા વ્હાલા ગુજરી ગયા છે. તેમની એક માત્ર હયાત પુત્રીએ તાજેતરમાં ૮૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter