આ ભાઇએ અધધધ 542 કિલો વજન ઘટાડ્યું

22મા વર્ષે 610 કિલોના ખાલિદનું 34મા વર્ષે વજન છે 68 કિલો

Tuesday 10th September 2024 06:08 EDT
 
 

રિયાધ: એક સમયે ‘વિશ્વના સૌથી વજનદાર ટીનેજર’નો વિક્રમ જેના નામે નોંધાયો હતો એવો સાઉદી અરેબિયાના ખાલિદ બિન મોહસિન શારીને આજે તમે મળો તો તે ઓળખી શકાય એવો નથી રહ્યો. તે એક સમયે પૃથ્વી પરના સૌથી વધુ વજનદાર પુખ્ત પુરુષની યાદીમાં બીજા નંબરે રહી ચૂક્યો હતો અને એ વખતે તેનું વજન છેક 610 કિલોને આંબી ગયેલું. આજે તેનું વજન 68 કિલો છે.
ખાલિદ અતિશય વધુ પડતા વજનને કારણે પોતાની જાતે પથારીમાં પડખું પણ ફરી શકે એવી સ્થિતિમાં નહોતો. 2013ના ઓગસ્ટ મહિનામાં તેની તબિયત લથડી રહી હતી ત્યારે સાઉદી અરેબિયાના તત્કાલીન કિંગ અબદુલ્લા તેની મદદે આવ્યા હતા.
લગભગ ત્રણ વર્ષથી પથારીમાં જ પડી રહેલા 22 વર્ષના મોહસિન શારીની સારવાર કરવી હોય તો પણ વજન ઉતારવું પડે એમ હતું અને વજન ઉતારવા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે એમ હતો. જોકે મોટો સવાલ એ હતો કે ઘરના પહેલા માળે રહેતા મોહસિનને ઘરની બહાર કાઢીને હોસ્પિટલ સુધી કઈ રીતે પહોંચાડવો?
કિંગ અબદુલ્લાના આદેશ પ્રયાસો હાથ ધરાયા. આખરે તેના ઘરની બારી તોડવામાં આવી અને તેને ક્રેનથી નીચે ઉતારીને રિયાધની કિંગ ફહદ મેડિકલ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. લગભગ 30 મેડિકલ પ્રોફેશનલની ટીમ તૈયાર કરવામાં આવી અને મોહસિન શારીનું વજન ઉતારવા માટે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરવામાં આવી. આ સર્જરીમાં જઠરને કાપીને નાનું કરી દેવામાં આવે છે જેથી નેચરલી જ ભૂખ ઓછી લાગે છે. આ પછી તેને સ્ટ્રિક્ટ ડાયટ પર રાખવામાં આવ્યો.
જે વ્યક્તિ જાતે પડખું નહોતી ફેરવી શકતી તેને હાથ-પગ હલાવવાની કસરત કરાવવાનું પણ દીવાસ્વપ્ન સમાન હતું. આમ છતાં ડોક્ટરોની ટીમે લગાતાર એ કામ કર્યું. પરિણામરૂપે છ જ મહિનામાં તેનું વજન અડધું એટલે કે લગભગ 300 કિલો જેટલું ઊતરી ગયું. એ પછીથી તેનું વજન ઉતારવાની સાથે શરીરમાં તાકાત આવે અને સાંધાઓ ફરીથી કાર્યરત થાય તે માટેની મથામણ શરૂ થઈ. આટલું જ વજન જળવાઈ રહે એ માટે પણ થોડોક સમય ટ્રીટમેન્ટમાં રાહત આપવામાં આવી.
આ પછી ધીમે-ધીમે વર્ષે પચીસ-ત્રીસ કિલો વજન ઘટે એવો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો અને છેલ્લે તેના શરીર પર લબડી પડેલી ત્વચા પણ સર્જરી કરીને દૂર કરવામાં આવી. 2023માં તેનું વજન 542 કિલો જેટલું ઘટ્યું હતું અને હવે તે 68 કિલો વજનનો છે.
33 વર્ષની ઉંમરે તે હવે એક નોર્મલ વ્યક્તિ જેટલું વજન ધરાવે છે, પરંતુ આટલાં વર્ષોની સ્થૂળતાને કારણે હજી તેને ઉઠવા-બેસવામાં અને ચાલવામાં તકલીફ પડતી હોવાથી સહારાની જરૂર પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter